સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ ભભૂકી ઊઠી હતી, જેણે વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાલ સવારની લાગેલી આગ લગભગ 30 કલાક બાદ કાબૂમાં આવી છે. રાત્રિના ભયાવહ આગનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર સહિતનાએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ જાણી હતી. 800થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી, જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધા બાદ હાલ કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આગને કાબૂમાં લેવા માટે 40 લાખ લિટરથી વધુ પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, અત્યારે મહદઅંશે આગ કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. મેં રિપોર્ટ મંગાવ્યો છે કે, કેટલું ગેરકાયદે ટ્રક્ચર હતું. રિપોર્ટ આવ્યા બાદ ગેરકાયદે ટ્રક્ચર અંગે ખબર પડશે, પણ અત્યારી અમારી પ્રાયોરિટી આખા બિલ્ડિંગમાં કુલિંગની પ્રક્રિયા થાય તે છે. બેઝમેન્ટમાં રહેલી દુકાનો યુગ્ય છે તે અંગે સવાલ કરતા મેયરે જણાવ્યું કે, તેનો પ્લાન પાસ હશે તે પ્રમાણે તેની એનઓસી પણ છે. જ્યારે પણ આ પ્રકારની ઘટના બને છે, ત્યારે મુખ્યમંત્રી પણ નજર રાખતા હોય છે. સાથે સાથે રાજ્યો ગૃહમંત્રીનો પણ આ બાબતે ફોન આવતો રહ્યો છે.
કરોડો રૂપિયાના બજેટ હોવા છતાં ટેક્સટાઈલ્સ માર્કેટની આગ ઉપર 30 કલાક બાદ પણ કાબુ મેળવી શકાયો નથી તે સવાલ પર મેયરે જણાવ્યું કે, આ ધંધો પેટ્રોલિયમ વસ્તુ છે. એક-એક દુકાનમાં સિજન છે એટલે સ્ટોક ભરેલો હતો, એટલે ફાયરના જવાનોને આગને કાબુ કરવામાં વાર લાગી છે. ગુજરાતમાં સુરતની ફાયર સિસ્ટમ બેસ્ટ અને નંબર વન છે.