
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સમાન્યથી નજીક પહોંચ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન હાલમાં પણ યથાવત્ છે.આગામી 24 કલાક દરમિયાન હજુ પણ મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર બાદ તાપમાન યથાવત્ રહેશે. રાજસ્થાનની સિસ્ટમ અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતના વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો દેખાઈ શકે છે, પરંતુ વાદળો વાતાવરણના ઉપરીસ્તરમાં રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં જ ગરમીથી આંશિક રાહત મળી છે. પરંતુ બીજા સપ્તાહથી જ અંગદજાળતી ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર બાદ 48 કલાક દરમિયાન ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેવાની શક્યતા છે.