
કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલના માધ્યમથી ભારતીય પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ સહિત યોગના અસાધારણ લાભો વિશે નાગરિકોએ માર્ગદર્શન મેળવ્યું
ભારતીય સંસ્કૃતિ સાથે પ્રાચીનકાળથી સંકળાયેલી આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નર્મદા દ્વારા રાજપીપલાના વિશ્વકર્મા મંદિર પરિસરમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં ‘આયુષ મેળો’ તા.૦૩/૦૩/૨૦૨૫ના રોજ યોજાયો હતો.
આયુષ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવીએ જણાવ્યું કે, ભારત દેશ યોગની સાથે પરંપરાગત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ અંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ વિશ્વ યોગ દિવસ યુનો દ્વારા સ્વીકારીને ભારતીય યોગ પદ્ધતિને ઉજાગર કરી છે. યોગની સાથે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને ઉજાગર કરવા માટે સુદ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આયુર્વેદ અંગે લોકજાગૃતિ અર્થે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી માનવીના સ્વચ્છ અને સંયમિત તેમજ સર્વગ્રાહી આરોગ્યને સુનિશ્ચિત કરતી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે લોકો જાણે અને તેનો ઉપયોગ કરવા આગળ આવે તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી વૈદ્ય માયાબેન ચૌધરીએ આ પ્રસંગે આયુષ મેળા થકી વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં યોજાયેલા આયુષ મેળામાં લાગેલા સ્ટોલ થકી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ-પંચકર્મ ચિકિત્સા, દિનચર્યા-ઋતુચર્યા સહિત પ્રકૃતિ પરિક્ષણ અંગે નિષ્ણાંત તબીબો/વૈધ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક કુલ ૧૬ આયુર્વેદ દવાખાના પૈકી ૯ નેશનલ આયુષ મિશન અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત છે. તેમજ ૨ દવાખાનામાં હોમિયોપેથીની સારવાર આપવામાં આવે છે. ઉપરાંત સરકારી આયુર્વેદિક ફાર્મસી રાજપીપલા દ્વારા ઔષધિય વનસ્પતિઓનું બોટનીકલ ગાર્ડનમાં ઉછેર અને સંવર્ધન કરવામાં આવે છે. ફાર્મસીના બોટનીકલ ગાર્ડનમાંથી તથા ગુજરાત સરકારશ્રીના N-Procure website પરથી E-Tendering કરીને કાચા દ્રવ્યોની ખરીદી કરીને ગુજરાત સરકારના માન્ય માપદંડ મુજબ GMP Certified દવાઓનું નિર્માણ કરવામાં આવે છે. જેનું સમગ્ર ગુજરાતના ૫૩૭ દવાખાના અને ૩૯ હોસ્પિટલોમાં તેમની જરૂરિયાત મુજબ દવાઓ પહોંચાડવામાં આવે છે.

આ પ્રસંગે યોગ નિષ્ણાંતો દ્વારા યોગ અને પ્રાણાયામ વિશે માર્ગદર્શન અને તેના ફાયદા અંગેની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને આયુષ મેળાની વિશેષતાઓની ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા.
વિશ્વની સૌથી પ્રાચીનતમ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિને પ્રત્યેક નાગરિકો સુધી પહોંચાડી નિરોગી બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અવિરત પ્રયાસો કરી રહી છે, ત્યારે દેશના પ્રત્યેક નાગરિકની સુખાકારી અને દેશની સમૃદ્ધિ ભારતીય પરંપરાગત આયુર્વેદ વિશે જાગૃતતા કેળવીને લોકો અન્યને પણ જાગૃત કરે તે અતિમહત્વપૂર્ણ છે.
વિશ્વકર્મા મંદિર પટાંગણમાં યોજાયેલા આયુષ મેળામાં કલરવ શાળાની બાળકીઓએ સ્વાગત ગીતની સુંદર પ્રસ્તૂતી કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સુશ્રી રશ્મિતાબેન વસાવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, ડો. નેહાબેન પરમાર, વૈદ્ય યોગેશભાઈ વસાવા, વિશ્વકર્મા મંદિરના ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પંચાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત નાગરિકોએ આયુષ મેળામાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા