ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર ખેલાડી અને ચેમ્પિયન્સ ટ્રોફીના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનું એલાન કર્યું છે. એમણે મંગળવારે દુબઈમાં ભારત વિરુદ્ધ રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના સેમી ફાઇનલમાં મળેલી હાર બાદ આ નિર્ણય લીધો છે. મેચ બાદ સ્મિથે પોતાના સાથીઓને જણાવ્યું કે, તેઓ સન્યાસ લઇ રહ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, સ્મિથ ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલ રમતા રહેશે. ભારતે સેમિફાઇનલમાં 264 રન પર ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કર્યા પછી 4 વિકેટે જીત નોંધાવી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અનુસાર સ્મિથ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. તેમણે વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે. એક અનુમાન એવું પણ છે કે તેની ઈચ્છા લોસએન્જલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક ગેમમાં ભાગ લેવાની છે. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં હાર બાદ સ્ટીવ સ્મિથે પોતાના સાથી ખેલાડીઓને પોતાના નિર્ણયની જાણ કરતા કહ્યું કે ” વનડે ઇન્ટરનેશલમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.”
સ્ટીવ સ્મિથ જે 2 જૂને 36 વર્ષનો થશે તેણે 19 ફેબ્રુઆરી 2010 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ODIમાં ડેબ્યૂ કર્યું હતું તો 4 માર્ચ 2025 ના રોજ ભારત સામે તેણે તેમના કરિયરની છેલ્લી ODI રમી હતી. આ 15 વર્ષોમાં તેણે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં બેટરને બદલે સ્પિનર તરીકે વધુ પસંદ કરવામાં આવ્યો હતો. તે મેચમાં તેણે બે વિકેટ લીધી હતી. જ્યારે ભારત સામેની છેલ્લી મેચમાં તેણે 96 બોલમાં 73 રનની ઇનિંગ રમી હતી. આમ આ મેચ સ્ટીવ સ્મિથ માટે ઐતિહાસિક મેચ બનવા પામી.