સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂ. 500ની નકલી નોટો વટાવવા જતાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. આરોપીઓ રૂ. 500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતાં SOGની ટીમે તરત જ કાર્યવાહી કરી હતી. ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે. પોલીસે રૂ. 500ની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે. પોલીસે કુલ રૂ. 1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. SOG દ્વારા પકડાયેલા બે આરોપીઓ વિજય નરશીભાઈ ચૌહાણ અને સુરેશભાઈ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડીયાની ધરપકડ કરી છે.
પોલીસને ત્રીજા આરોપી તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા ઉર્ફે કાલીયોની શોધ છે, જે હજુ પણ ફરાર છે. જે શુકપરા ગામ, જોયેનપુર ગ્રામ પંચાયત, થાણા બૈશ્વનવનનગર કાલીયા ચોક, જિલ્લો માલદા, પશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. એનઆઈએ દ્વારા તેની પર ત્રણ કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ-ક્વોલિટી નકલી ચલણનો ગોરખધંધો ચાલુ રાખતો હતો.
સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સંકળાયેલો છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે. માલદા અને અન્ય બોર્ડર વિસ્તારોમાંથી અવારનવાર નકલી ચલણ લાવવામાં આવે છે અને સુરેશ જેવા લોકો તેના મુખ્ય સપ્લાયરોમાં સામેલ હોઈ શકે. જો કે, સુરેશ પર અગાઉના ત્રણ કેસ હોવા છતાં તે ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાયો છે તો તે દર્શાવે છે કે તેનું નેટવર્ક મજબૂત છે અથવા તેને એવા સંપર્કો છે, જેના કારણે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે છે.