
નાગપુરમાં ગત મોડી રાત્રે થયેલી હિંસા બાદ પોલીસ સજાગ બની છે. નાગપુર હિંસા અંગે શિવસેના યુબીટી નેતા સચિન આહિરે કહ્યું, “આપણે આ મુદ્દે પર રાજકારણ ન કરવું જોઈએ. ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આવા મુદ્દા (ઔરંગઝેબ) ને ઉશ્કેરવાની શું જરૂર છે?” મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ આંદોલન શરૂ કર્યું છે. એકનાથ શિંદેએ કહ્યું કે આ એક પ્રકારનું કાવતરું છે. કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. ઔરંગઝેબે ઘણાં મંદિરો તોડ્યા હતા.
વંચિત બહુજન આઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું કે, મહારાષ્ટ્રના એક ઝેરી મંત્રી ખુલ્લેઆમ સમાજમાં નફરત ફેલાવી સમાજને વિભાજીત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં નફરત ફેલાવવા માટે બહારથી લોકોને લાવવામાં આવી રહ્યા છે. આ એક મોટા સુનિયોજિત ષડયંત્રનો ભાગ છે. નાગપુર સહિત તમામ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવે છે. પ્રકાશ આંબેડકરના નિશાના પર નિતેશ રાણે અને તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ હતા.
ઔરંગઝેબની કબર હટાવવાનો વિવાદ તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત તેના મકબરાને લઈને ઉભો થયો છે. આ વિવાદનું મૂળ ઔરંગઝેબના ઐતિહાસિક વારસા અને તેની નીતિઓને લગતી વિરોધાભાસી ધારણાઓમાં રહેલું છે, જે ભારતના ઇતિહાસમાં વિવાદાસ્પદ રહી છે. ઔરંગઝેબ, જે મુગલ સમ્રાટ હતો અને 1658થી 1707 સુધી શાસન કર્યું, તેની કબર ખુલ્દાબાદમાં શેખ ઝૈનુદ્દીન શિરાઝીની દરગાહના પરિસરમાં આવેલી છે. તેનું મૃત્યુ 1707માં અહમદનગરમાં થયું હતું, અને તેની ઈચ્છા મુજબ તેને સાદગીભર્યા મકબરામાં દફનાવવામાં આવ્યો હતો. આ મકબરો અન્ય મુગલ સ્મારકોની તુલનામાં ખૂબ જ સાદો છે, પરંતુ તે હવે રાજકીય અને સામાજિક વિવાદનું કેન્દ્ર બન્યો છે.
ઔરંગઝેબને ઘણા લોકો એક કટ્ટર શાસક માને છે, જેમણે હિંદુ મંદિરોનો નાશ કર્યો, ધાર્મિક અસહિષ્ણુતા દાખવી, અને મરાઠા નેતા છત્રપતિ સંભાજી મહારાજની હત્યાનો આદેશ આપ્યો. આ કારણે, ખાસ કરીને હિંદુ સંગઠનો જેમ કે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળે તેની કબર હટાવવાની માંગ કરી છે. તેઓ માને છે કે “સંભાજીના હત્યારાની કબર”ને સંભાજીનગરમાં રાખવી યોગ્ય નથી. હાલની સ્થિતિએ મકબરાની આસપાસ પોલીસ તૈનાત છે, VHP-બજરંગ દળની માંગણીઓએ રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું છે. પરંતુ સરકારે હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. આ વિવાદ રાજકીય, ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ચર્ચામાં છે, અને તેની અસર સ્થાનિક લોકોના જીવન પર પણ પડી રહી છે. આ વિવાદનું ભવિષ્ય સરકારના વલણ અને સામાજિક સંવાદ પર નિર્ભર કરશે