કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ખૂબ જ હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 37 વર્ષીય રિયલ એસ્ટેટ બિઝનેસમેન લોકનાથ સિંહની તેમની પત્ની અને સાસુએ હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું કારણ લોકનાથના કથિત એકસ્ટ્રા મેરિટલ અફેર અને બિઝનેસની લેવડ દેવડ માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે જ્યારે કેટલાક લોકોએ ચિક્કબનાવરાના એક અવાવરું જગ્યાએ એક કારમાં લોકનાથ સિંહનો મૃતદેહ જોયો, ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઉત્તર બેંગલુરુના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સૈદુલ અદાવતએ જણાવ્યું કે, “અમને શનિવારે સાંજે 5:30 વાગ્યે 112 પર એક ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો, જેમાં મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. અમે તપાસ શરૂ કરી અને હત્યાના આરોપસર લોકનાથની પત્ની અને સાસુની ધરપકડ કરી હતી. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે”