
સગીરાને દાખલા શીખવવાના બહાને મોડે સુધી બેસાડી રાખીને શરીર પર અડપલા કર્યા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની એક સગીરાને ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે ટ્યુશનનો સમય પુરો થયા બાદ મોડે સુધી બેસાડી રાખીને તેના શરીરના વિવિધ ભાગોએ હાથ ફેરવી અડપલા કર્યા હોવાની ફરિયાદ ભોગ બનનાર સગીરાના પિતાએ રાજપારડી પોલીસમાં લખાવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષ ૧૧ મહિનાની ઉંમરની સગીર વયની દિકરી હાલ ધો.૧૦ માં અભ્યાસ કરતી હોઇ ટ્યુશન ક્લાસ ચલાવતા સાજીદહુશેન વાઝા નામના શિક્ષકને ત્યાં ટ્યુશન માટે જતી હતી. ગતરોજ તા.૨૫ મીના રોજ આ સગીરા ટ્યુશને ગઇ હતી, ટ્યુશનનો સમય પુરો થયા બાદ પણ આ શિક્ષકે સગીરાને દાખલા શીખવવાના બહાને મોડે સુધી બેસાડી રાખીને તેના શરીરના વિવિધ ભાગોએ હાથ ફેરવ્યો હતો. સગીરાએ આ બાબતની જાણ ઘરે તેના માતાપિતાને કરતા તેના પિતા શિક્ષકને ત્યાં ગયા હતા અને કહ્યું હતુંકે મારી છોકરીને કેમ હેરાન કરે છે, આ સાંભળીને શિક્ષકે ગાળો બોલીને સગીરાના પિતાને બે તમાચા મારી દીધા હતા.
ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ પોલીસમાં ટ્યુશન શિક્ષક સાજીદ હુશેન વાઝા વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. શિક્ષકનું સ્થાન સમાજમાં ઉંચુ ગણાય છે,શિક્ષક એટલે ગુરૂ,ગુરૂ શિષ્ય વચ્ચેનો સંબંધ બાપ દિકરાના સંબંધ જેટલોજ પવિત્ર ગણાય છે,ત્યારે શિક્ષણ જગતને લાંછન લગાડે તેવી ઘટનાઓ બને ત્યારે સાચેજ આવી ઘટનાઓ સમાજ માટે લાલ બત્તી સમાન ગણાય.