Satya Tv News

દેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત રૂપિયા 65 લાખના ખર્ચે નિર્માણ પામેલા સરકારી માધ્યમિક શાળાના નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ વાલીઓને આહવાન કર્યું કે, તેઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે અને શિક્ષણમાં લગન રાખે. ગરીબ પરિવારમાંથી આવતા બાળકો પણ પૂરી મહેનત અને આત્મવિશ્વાસ સાથે 99 ટકા સુધીના ગુણ લાવી શકે અને ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર કે કલેક્ટર જેવી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ નિભાવવા યોગ્ય બની શકે છે. વિદ્યાર્થીઓને શાળામાં પોષણ યુક્ત ખોરાક મળી રહે, વિદ્યાર્થીઓ તથા યુવાનો વ્યસનોથી મુક્ત રહે તેના ઉપર ભાર મૂક્યો હતો.

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.કિરણબેન પટેલ દ્વારા શાળાના આચાર્ય, SMDCના સભ્યોને શાળાના શૈક્ષણિક કાર્ય તેમજ શાળાના વિકાસ બાબતે કાળજી રાખવા જરૂરી સૂચનો જિલ્લા કક્ષાએ રજુ કરવા અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

મોસીટ શાળામાં હાલ ધોરણ-9માં 18 અને ધોરણ-10માં 16 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ મોસીટ, સોરાપાડા, વડીવાવ, મોટીકોરવાઈ તથા જરગામ સહિતના આસપાસના ગામોમાંથી અભ્યાસ અર્થે આવે છે. શાળાના નવા મકાનના નિર્માણથી બાળકોને સુવિધાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક શ્રી વિજયભાઈ ભાવસારનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નોટબુક, પેન અને શાળાને ગણિત તથા વિજ્ઞાન કીટ ભેટમાં આપી શાળાની ભૌતિક સુવિધાઓમાં યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સુંદર આયોજન શાળાપરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. કિરણબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય આરતીબેન યતીનભાઈ નાયક અને શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ વસાવા, ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિ નોંધાવી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: