Satya Tv News

જંગલો અને કુદરતી સૌંદર્ય-લીલી વનરાજીથી આચ્છાદિત નર્મદા જિલ્લા માંથી ચોમાસુ સિઝનમાં મળી આવતા કંકોડા શહેરીજનોની પ્રથમ પસંદ

નર્મદા: લીલી વનરાજી અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત નર્મદા જિલ્લો માત્ર પ્રવાસન અને જંગલોને નિહાળવા પૂરતો જ સીમિત નથી, પરંતુ અહીંનો દરેક ખૂણો કુદરતી સંપત્તિથી સમૃદ્ધ છે. આવી જ એક કુદરતની અનોખી ભેટ એટલે કંકોડા (Momordica dioica), જેને લોકો “કંટોલા” તરીકે પણ ઓળખે છે. ચોમાસાની ઋતુમાં આ વેલાવાળી શાકભાજી જંગલમાં કુદરતી વાતારરણમાં વૃદ્ધિ પામે છે. તેનું મહત્વ માત્ર પૌષ્ટિકતામાં નહીં પરંતુ ગ્રામીણ અને આદિવાસી નાગરિકોની પુરક આજીવિકા માટે પણ એટલું જ મહત્ત્વનું બની રહ્યું છે.

સ્વાસ્થ્ય માટે અમૂલ્ય ભેટ કંકોડા

કંકોડા, જેને અંગ્રેજીમાં Spiny Gourd કે Teasel Gourd તરીકે ઓળખવામાં આવે છે, તેનો આયુર્વેદમાં વિશેષ ઉલ્લેખ છે. પાચનતંત્રને મજબૂત બનાવવું હોય કે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય, કંકોડાનું નિયમિત સેવન ઉત્તમ માનવામાં આવે છે. મેદસ્વિતા (મોટાપા) માટે આયુર્વેદિક સારવારમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે ઓર્ગેનિક શાકભાજી છે, જેના ઉછેર માટે રાસાયણિક ખાતર કે જંતુનાશકની જરૂર પડતી નથી. જમીનમાં રહેલું કુદરતી સેંદ્રીય ખાતર તેના માટે પૂરતું સાબિત થાય છે, જેથી તે સંપૂર્ણપણે કુદરતી અને આરોગ્યપ્રદ હોય છે.

આદિવાસી સમાજ માટે પુરક રોજગારીનું સાધન

નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના મોટી ચીખલી ગામના શ્રી ચંદુભાઈ વસાવા કંકોડા ઉત્પાદનમાં ઉજ્જવળ ઉદાહરણરૂપ કાર્ય કરી રહ્યાં છે. તેઓ ઘરના આજુબાજુ વાડ પર વેલા ચઢાવીને કંટોલાનું ખેતીરૂપે ઉછેર કરે છે, તેમજ જંગલમાંથી પણ તેને વીણીને નજીકના માર્કેટમાં વેચાણ કરે છે. તેઓ કહે છે કે, ચોમાસા દરમિયાન કંકોડાનું વેચાણ કરીને તેઓ પ્રતિ કિલો રૂપિયા ૨૦૦/- સુધીની આવક કરે છે, જે તેમના પરિવાર માટે પૂરક આવકનું સાધન બને છે. તેમના પુત્ર કંકોડા વેચાણમાં સહભાગી થઈને પરિવારના ગુજરાનમાં યોગદાન આપે છે. ઉપરાંત, તેમને સરકાર તરફથી મળતી વૃદ્ધપેન્શન સહાયથી પણ પરિવારના ગુજરાન માટે આધાર પ્રાપ્ત થાય છે.

શહેરી વિસ્તારમાં વધી રહેલી માંગ

આજના હેલ્થ કોન્સિયસ યુગમાં કુદરતી અને ઓર્ગેનિક શાકભાજી માટે લોકોની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને શહેરી જનતા માટે કંકોડા એક પસંદગી સાથે પૌષ્ટિક શાકભાજીનો વિકલ્પ બન્યો છે. નર્મદા જિલ્લાના વિવિધ માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો રસ્તાની બાજૂમાં છૂટક વેચાતા કંકોડા લઈ જવાનો અચૂક આગ્રહ રાખે છે.

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે કંકોડા માત્ર શાકભાજી નહિ પરંતુ એક પુરક આજીવિકા છે. તે એક એવો સ્ત્રોત છે જે આરોગ્ય આપે છે, આર્થિક સહારો આપે છે અને કુદરત સાથે સુમેળ ધરાવતું જીવન પણ આપે છે. તે આદિવાસી નાગરિકો માટે પ્રાકૃતિક આશીર્વાદ છે. આરોગ્યપ્રદ જીવનશૈલીની શોધમાં રહેલા આધુનિક યુગમાં આવા કુદરતી શાકભાજીનું મહત્ત્વ આગળ વધતું જશે. રાજ્ય અને જિલ્લા સ્તરે આવી ઉપજને પ્રોત્સાહન આપીને આદિવાસી સમાજને વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની શકાય તેમ છે.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: