


દેશી દારૂ ના બનાવટમાં વપરાતો ગોળ, મહુડાના ફૂલ, નવસાર સહિત એક્સપાયર ડેટ વાળી ખાદ્ય વસ્તુઓ મળી આવી;
દારૂના સેવનથી ગામની અનેક મહિલાઓ વિધવા બનતા જનતા દ્વારા કરવામાં આવી રેડ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે અનાજ કરિયાણાની દુકાનમાં ગામનાં જાગૃત યુવાનો અને જાગૃત આગેવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતો. આ રેડ દરમિયાન અનાજ કરિયાણા દુકાન માંથી દેશી દારૂ બનાવવાનો ગોળનો મોટા પ્રમાણમાં જથ્થો, મહુડાના ફૂલ, નવસાર અને એક્સપાયર ડેટ વાળી ખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપી પાડી હતી, ત્યારબાદ આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જથ્થો કબ્જે લઈ કરિયાણા ના દુકાનદાર વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉમરપાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં મોટા પ્રમાણમાં આદિવાસીઓની વસ્તી આવેલી છે, ત્યારે બહારથી આવેલા પરપ્રાંતિય દુકાનદારો (મારવાડીઓ) દ્વારા બીન અધિકૃત ચીજ વસ્તુઓનું વેચાણ કરી આદિવાસી સમાજના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની અવારનવાર ફરિયાદો ગ્રામ્ય વિસ્તારોમાં ઉઠી રહી હતી. ત્યારે વાડી ગામના બસ સ્ટેશન પાસે આવેલ રાજુભાઈ રામાજી ગુર્જર ની અનાજ કરિયાણા ની દુકાનમાં સ્થાનિક જાગૃત યુવાનો અને આગેવાનો જશવંતસિંહ વસાવા, જીગ્નેશભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ વસાવા, રણજીત વસાવા સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં કરિયાણા ની દુકાન માંથી દારૂ બનાવવા માટે વપરાતો અખાદ્ય ગોળ નો મોટા પ્રમાણમાં જથ્થો, મહુડાના ફૂલ, નવસાર ઝડપી પાડવામાં આવ્યું હતું. અને વધુમાં તપાસ કરતા કરિયાણાની દુકાન માંથી એક્સપાયર ડેટ ની વેફર, લોટ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી. જે બાદ આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને અખાદ્ય ગોળ, મહુડાના ફુલ , નવસાર સહિતનો મુદ્દામાલ કબજે કરી દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.વાડી ગામે જનતા રેડ થતા બિનઅધિકૃત ચીજ વસ્તુઓનો વેપાર કરતા દુકાનદારોમાં હાલ ફફડાટ ફેલાયો છે
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા