




ગોરા, બોરિયા, ગરૂડેશ્વર અને નવાગામના વિદ્યાર્થિઓની સુરક્ષાર્થે બસમાં ગાઈડ અને પોલીસની નિમણૂક
શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ પાયાને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો દૃઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેનશ્રી મુકેશ પૂરીના માર્ગદર્શન હેઠળ ઈ-બસ સેવા શરૂ થવા સાથે વધુ ઉજાગર થયો છે. ગુજરાત સરકારના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના ૧૯ ગામોના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ માત્ર પરિવહન સેવા નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ અપ્રતિમ પહેલ છે.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શ્રીફળ વધેરીને તેમજ બાળકોનું મોઢુ મીઠુ કરાવીને બસને શાળાએ રવાના કરી હતી. પ્રારંભિક દિને ૧૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ગરુડેશ્વર તાલુકાના ઓથોરિટી વિસ્તારમાં આવનારા ૧૯ ગામના ૨૫૦થી વધુ વિદ્યાર્થિઓ હવે આરામદાયક, સુરક્ષિત અને નિયમિત રીતે શાળાએ જઈ શકશે. શિક્ષણથી કોઈ વિદ્યાર્થી વંચિત ન રહે એ દૃષ્ટિએ આ પહેલ એક અનોખું પગલું છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ડો. દેશમુખે ઉમેર્યુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીનો અભિગમ ખૂબ જ પ્રશંસનીય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ સમાજના વિકાસમાં યોગદાન પણ આપી રહ્યું છે. આ પહેલથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. વિદ્યાર્થીઓ શાળાએ સમયસર પહોંચશે, અભ્યાસમાં નિયમિતતા આવશે અને તેમના સમયમાં ઉત્તમ ઉપયોગ થવાથી એકાગ્રતા પણ વધશે.
આ તકે ડો. દેશમુખે, બાળકોના શૈક્ષણિક હિતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલી પહેલ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સમગ્ર ટીમ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પહેલ અંતર્ગત દરરોજ સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૬:૦૦ દરમિયાન એસી ઈ-બસ સેવા આપવામાં આવશે. કુલ ૫ ઈલેક્ટ્રિક બસોની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી દરેક બસમાં તાલીમપ્રાપ્ત ગાઇડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવી છે.
પ્રારંભિક તબક્કે ઓથોરિટી વિસ્તાર દ્વારા કરાયેલી પહેલ અંતર્ગત પાંચ શાળાઓમાં ગોરા ખાતેની શ્રી જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, પિન્ટુલાલા વિદ્યામંદિર બોરિયા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, માધ્યમિક શાળા, એકતાનગર અને રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળા નવાગામનો સમાવેશ થાય છે.
આ નોંધપાત્ર પહેલથી વાલીઓએ શાળાઓ અને સરકાર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પહેલના પરિણામરૂપ શાળાની હાજરીમાં વધારો અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ગુણવત્તાપૂર્ણ સુધારો નોંધાઈ રહ્યો છે.
વિદ્યાર્થીઓએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, આવી સગવડથી હવે અમે સમયસર અને સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકીશું. એસી બસ સેવા મળવાથી શાળાએ જવા વધુ ઉત્સાહ સાથે જઈશું અને હવે અભ્યાસમાં અવરોધ નહીં આવે. આ સફર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સુંદર સ્થળો જોવાનો પણ લાભ મળશે.ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ માત્ર સેવાનું ઉદાહરણ નહીં, પણ ભવિષ્યના ભારત માટેના સરકારના દૃષ્ટિકોણનું જીવંત પ્રતિક છે.
આ પ્રસંગે તાલુકા પંચાયત ગરૂડેશ્વરના પ્રમુખશ્રી માકતાભાઇ વસાવા, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી દિનેશભાઇ તડવી, તાલુકા પંચાયત સદસ્યશ્રી દિનેશભાઇ તડવી, અઘિક કલેક્ટર સર્વ શ્રી ગોપાલ બામણીયા, નારાયણ માધુ, નાયબ કલેકટરશ્રી દર્શક વિઠલાણી, નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા, શાળા પરીવાર અને SoU પરીવારના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા