
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારત સાથેના વેપાર સંદર્ભે 25 ટકા જેટલો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય ઉદ્યોગો પર માઠી અસર પડવાની શક્યતા છે. આ ટેરિફનું અમલીકરણ એક સપ્તાહ બાદ થનાર છે.
અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં આ નિર્ણયને લઈને ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક ઉદ્યોગો અત્યાર સુધી કરોડો રૂપિયાની નિકાસ અમેરિકામાં કરતા આવ્યા છે. નવા ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો મોંઘા થશે અને તેની સીધી અસર નિકાસ પર પડશે.
જોકે, અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ આ અંગે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. તેમનું માનવું છે કે, આ અસર ટૂંકાગાળા માટે જ રહેશે. ઉદ્યોગપતિ મહેશ પટેલે જણાવ્યું કે, લાંબા ગાળે ટ્રમ્પ સરકાર સામે તેમના જ દેશના નાગરિકો મોંઘવારીના મુદ્દે અવાજ ઉઠાવશે.
ભારતીય ઉત્પાદનો મોંઘા થવાથી નિકાસ પર અસર પડશે એ નિશ્ચિત છે. પરંતુ ઉદ્યોગપતિઓનું માનવું છે કે અન્ય દેશોના વિકલ્પો પણ મોજૂદ છે. આવનારા દિવસોમાં આ નિર્ણયની વાસ્તવિક અસરનો સચોટ ખ્યાલ આવી શકશે.