Satya Tv News

ગુજરાત પોલીસ દ્વારા દર મહિને યોજાતી “મન્થલી ક્રાઈમ કોન્ફરન્સ”નું આ મહિનાનું સત્ર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે યોજાયું હતું.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાવન સાનિધ્યમાં યોજાયેલી એક દિવસીય કોન્ફરન્સમાં રાજ્યભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં છેલ્લા એક મહિનામાં કરાયેલી કામગીરીની સમીક્ષા તેમજ આવનારા સમયની રણનીતિ, પોલીસ તંત્ર દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા તેમજ જનહિતના મુદ્દાઓ પર વધુ અસરકારક રીતે કામગીરી માટે ચર્ચા કરવામાં આવી હતી.આ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ તબક્કે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી સામાન્ય નાગરિકોને વ્યાજખોરોના સકંજામાંથી મુક્તિ મળે તેના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ કાર્યવાહી અંતર્ગત જૂલાઈ માસમાં 64 જેટલા કેસમાં ફરિયાદ નોંધવામાં આવી અને 105 જેટલા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ દરમિયાન 400 જેટલાં કેસમાં 956 જેટલા આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. તેની સામે નાણાંની જરૂરિયાત ધરાવતા લોકોને કાયદેસરની વ્યવસ્થાથી મદદ મળે તે માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુલાઈ મહિના દરમિયાન 71 જેટલા લોન મેળા તથા વર્ષ દરમિયાન 238 દેટલા લોનમેળા યોજી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સત્તાવાર નાણાકીય સંસ્થાઓ મારફતે સહેલાઈથી લોન મળી શકે તે માટે કામગીરી કરવામાં આવી હતી.વધુમાં શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરાયેલો કિંમતી સામાન સહિતનો મુદ્દામાલ તેના માલિકોને પરત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા કોર્ટ સાથે સંકલન સાધીને “ તેરા તુજકો અર્પણ” કાર્યક્રમના માધ્યમથી જુલાઈ મહિનામાં રાજ્યભરમાં 761 કાર્યક્રમો થકી 25 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન કુલ રૂપિયા 127 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ તેના માલિકોને પરત આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા સાઈબર ક્રાઈમને ડામવા તથા ગુનેગારો સામે કાર્યવાહીને વધુ મજબૂત કરવા “ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ”ની શરૂઆત કરવામાં આવી છે. જે પોલીસની ડ્રાઈવને સફળ બનાવવામાં મદદરૂપ થશે. સાઈબર ક્રાઈમ અંતર્ગત લોકો સાથે થયેલા છેતરપિંડીના કેસમાં જુલાઈ મહિનામાં અંદાજિત રૂપિયા 28 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. તેવીજ રીતે વિવિધ ગુનામાં ફરાર થયેલા આરોપીઓને પકડવા માટે થઈ રહેલી કામગીરી પૈકી જુલાઈ મહિનામાં 434 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકીના 251 આરોપી છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા. ગુજરાત પોલીસે તા.15મી માર્ચ-2025ના રોજ 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ગેરકાયદેસર બાંધકામો અથવા પ્રોપર્ટીની કોર્ટ કાર્યવાહી બાદ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 750 કરતા વધુ ગેરકાયદે પ્રોપર્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે પૈકી 650 કરતાં વધુ દબાણો તો સરકારી જમીન પર કરાયેલા હતા. વારંવાર ગુનાખોરી કરનારાઓના જામીન રદ કરવાની કાર્યવાહી પણ કોર્ટ સાથે સંકલનમાં રહીને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તેવી જ રીતે પાસા અને તડીપારની કામગીરીને પણ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. ગેરકાયદે વીજ કનેક્શન ધરાવતા 2190 જેટલાં લોકો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે કહ્યું કે, પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થા અને નાગરિકો સાથે પોલીસ સ્ટાફના વ્યવહાર જેવી અનેક પાસાઓને ધ્યાને લઈને પોલીસ સ્ટેશનને રેન્કિંગ આપી પોલીસ કામગીરીને નાગરિકો લક્ષી બનાવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, રેંજના આઈજી, જિલ્લા પોલીસ વડાઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: