Satya Tv News

રાજપીપળાની “ગોલ્ડન ગર્લ” તરીકે ઓળખાતી કું. ફલક ચંદ્રકાન્ત વસાવાએ રમત-ગમત ક્ષેત્રે પોતાની સતત મહેનત, સમર્પણ અને પ્રતિભાથી એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં ઉત્તરાખંડ ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૫ (ઉંમર ૧૫-૧૬) જુનિયર કેટેગરીમાં કું. ફલકે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત તેમજ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વિજય ફક્ત તેની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર ગુજરાતના જિલ્લાની રમતજગત માટે એક ગૌરવપ્રદ ક્ષણ છે.

વર્ષ ૨૦૨૪ માં સુરત ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે સબ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. સખત શ્રમ અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધતી કું. ફલકે હવે જુનિયર ગ્રુપમાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.કું. ફલક વસાવાની સફળતા તેના માટે જ નહીં, પરંતુ નર્મદા જિલ્લાના યુવાનો માટે પણ એક ઉત્કૃષ્ટ પ્રેરણા બની છે. તેનો ઉત્સાહ, મહેનત અને આત્મવિશ્વાસ યુવાપેઢીને સપનાઓ જોઈને તેને સાકાર કરવાની હિંમત આપે છે.નર્મદા જિલ્લા રમત વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કું. ફલકને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આવી જ સફળતાઓથી નર્મદા જિલ્લો રમતગમતના નકશા પર પોતાનું સ્થાન અંકિત કરશે એ નિશ્ચિત છે. શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાનું પણ ગૌરવ વધાર્યું છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: