
સાગબારા તાલુકાના કોલવાણ ગામ માંથી બૂટલેગર દ્વારા મંગાવવામાં આવેલા રૂ. ૨.૮૮ લાખ રૂપિયાની કિંમત નો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને સાગબારા પોલીસે ઝડપી પાડયો છે. અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા સધન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સાગબારા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે કોલવાણ ગામમાં રહેતા બાદલ વણકર વસાવાએ પોતાના ઘરમાં મોટી માત્રામાં દારૂ છુપાવ્યો છે. આ બાતમીના આધારે સાગબારા પોલીસની ટીમે કોલવાણ ગામમાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસને આરોપી બાદલ વણકર વસાવાના ઘર માંથી સંતાડેલી ૨,૮૮,૦૦૦ કિંમતની અલગ અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટનો વિદેશી દારૂની ની ૧,૯૨૦ બોટલો મળી આવી હતી, પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો છે? તે અંગે પૂછાતા આરોપી બાદલ વસાવાએ રાકેશ વસાવા (રહે. મોલગી, તા. અક્કલકુવા, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતુ.
જેથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં ગુનો નોંધી રૂ. ૨.૮૮ લાખના દારૂ સહિત કુલ ૨.૯૩ લાખના મુદામાલ સાથે બાદલ વણકર વસાવાની ધરપકડ કરી છે અને રાકેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા