

ગ્રામજનોની શોધખોળ બાદ SDRF ની ટીમે બીજા દિવસે બેડદા ગામની સીમ માંથી બંને બાળકોના મૃતદેહ શોધી કાઢ્યા;
ડેડિયાપાડાના શિયાલી ગામના બે બાળકો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ નદીના ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાયા હતા,
જેમના મૃતદેહ SDRF ની ટીમે બેડદા ગામની સીમ માંથી શોધી કાઢ્યા હતા.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલ ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ શિયાલી ગામના બે બાળકો શાળા છૂટ્યા બાદ તા.29,ઓગસ્ટ, 2025 ના રોજ બપોરે 12:00 થી 1:00 વાગ્યાની આસપાસ ખેતરે જતા હતા તે સમય દરમિયાન કરજણ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં (1) વસાવા સોહનકુમાર બીપીનભાઈ ઉં.વ.13 અને (2) વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ ઉં.વ.12 જેઓ શિયાલી ગામ પાસે આવેલ કરજણ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. જેથી પાણીના પ્રવાહમાં તણાયા હતા, જેની જાણ સ્થાનિક ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, બાદમાં ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા બાદમાં ગોપાલ આ ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચશ્રી દ્વારા ડેડીયાપાડા પોલીસ અને જવાબદાર અધિકારીશ્રીઓને સંપર્ક સાંધતા SDRF ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બાદમાં આજે તા.30,ઓગસ્ટ,2025 ના રોજ સવારે બેડદા ગામની સીમ માંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાદમાં બંને બાળકોના મૃતદેહ ને ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ ને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. આ ઘટના ને પગલે ગામમાં શોક છવાઈ ગયો છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડીયાપાડા