Satya Tv News

વડોદરા શહેરમાં બે દિવસના વરસાદી વિરામ બાદ અચાનક ગરમી અને બફારાએ હાહાકાર મચાવ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જેના પગલે ગભરામણ અને બેભાન થવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં ગરમી સંબંધિત કારણોસર ચાર વ્યક્તિઓના મોત થયાની આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ પરમાર અને વેમાલી ગામના મયુરભાઈ પટેલનું ગભરામણ થવાથી અચાનક મૃત્યુ નીપજ્યું હતું. બંને કિસ્સાઓમાં, પ્રાથમિક તપાસમાં ગરમીના કારણે જ મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બંને વ્યક્તિઓને અચાનક ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી, અને હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 

વડોદરા નજીક વેમાલીમાં રામા સ્કાય સોસાયટીમાં રહેતા મૂળ અમદાવાદના મયુર રમેશચન્દ્ર પટેલ (ઉ.વ.52) લિફ્ટમાં બેસી નીચે જતા હતા. ત્યારે લિફ્ટમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય બનાવમાં માંજલપુર જીઆઇડીસી વિસ્તારમાં ગંગાબાનગરમાં રહેતા પ્રવિણ દેવજીભાઈ પરમાર (ઉ.વ.67)ને ઘેર ગભરામણ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું. 

આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ ગરમીની અસરના કિસ્સાઓ સામે આવ્યા છે. સમા વિસ્તારના 40 વર્ષીય અશોક દેવીપૂજક અને અલકાપુરી વિસ્તારના ટીકા દેવાભાઇને પણ ગભરામણની ફરિયાદ બાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, બે દિવસ અગાઉ પણ શહેરમાંથી બેભાન અવસ્થામાં મળેલા ત્રણ અજાણ્યા વ્યક્તિઓમાંથી બેના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતા. આ તમામ ઘટનાઓ પાછળ આકરી ગરમી અને ભેજવાળું વાતાવરણ જવાબદાર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શહેરના સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તબીબો દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી અને પ્રવાહીનું સેવન કરવા તથા સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે

error: