


નર્મદા જિલ્લાના દેડીયાપાડા ઘટક-૨માં પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી
નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા પોષણ અભિયાન – ૨૦૨૫ અંતર્ગત દેડીયાપાડા આઈસીડીએસ ઘટક-૨ દ્વારા સેન્ટ ઝેવિયર્સ શાળા, નાની સિંગલોટી ખાતે પોષણ માહની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મેડિકલ ઓફિસરશ્રીએ એનિમિયા વિશે સમજ આપી સંતુલિત આહાર તથા આયર્નનું પૂરતું સેવન આરોગ્ય માટે અત્યંત આવશ્યક હોવાનું જણાવ્યું હતું. જ્યારે PBSCના સ્ટાફ દ્વારા બાળકોને “ગુડ ટચ – બેડ ટચ” અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડૉ. મીનાક્ષીએ પોષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, આહારમાં મિલેટ્સ (શ્રીઅન્ન) નો સમાવેશ આરોગ્યપ્રદ જીવન માટે ખૂબ જ અગત્યનો છે.
આ વેળાંએ બેસણા-૨ આંગણવાડી કેન્દ્રના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં પોષણ અને આરોગ્ય જાગૃતિનો સંદેશ સમાયેલો હતો.
કાર્યક્રમ દરમ્યાન પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભાગ લેનારાઓએ વિવિધ આરોગ્યપ્રદ વાનગીઓ પ્રસ્તુત કરી હતી. સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં ICDS, આરોગ્ય, PBSC તેમજ શાળાના શિક્ષકો, કર્મચારીઓ, બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા