
નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓને એક કિનારેથી સામે કિનારે લઈ જવા તંત્ર દ્વારા નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ નાવડી ચલાવવા માટે તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.ત્યારે એ ટેન્ડર મેળવવા લગાવાયેલી બોલીની રકમ સહિત ભાડા પેટે મળનારી 10 ટકા રકમ જમા ન કરાવતા તંત્ર દ્વારા ઈજારદારને નોટીસ ફટકારવામાં આવી છે.
નર્મદા પરિક્રમા દરમિયાન હોડીઘાટ માટે તિલકવાડા તાલુકાના રેગણ ગામના અજીત વસાવાએ 19,87,669 રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવતા એમને નાવડી સંચાલનનો ઈજારો આપવામાં આવ્યો હતો.પરિક્રમાના અંતે અજીત વસાવાએ કરારની શરત નંબર 35 મુજબ જવા-આવવાના ભાડાના 10 ટકા રકમ પી.એલ.એ ટુ ડી.ડી.ઓ માં જમા કરાવવાની હતી.આ વખતે 909909 પરિક્રમાવાસીઓએ પરિક્રમા કરી હતી, તો એ મુજબ એક પરિક્રમાવાસીના 2 રૂપિયા લેખે અજીત વસાવાએ 18,19,818 રૂપિયા જમા કરાવવાના હતા.
ત્યારે ઇજારદાર અજીત વસાવાએ 19,87,669 રૂપિયા બોલીના અને જવા-આવવાના ભાડાના 10 ટકા લેખે 18,19,818 રૂપિયા મળી કુલ 38,07,487 રૂપિયા જમા ન કરાવતા તંત્ર દ્વારા એમને વારંવાર નોટિસ ફટકારવા છતાં આ રકમ જમા કરાવી ન્હોતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે એજન્સી દ્વારા 5-5 લાખના બે ચેક પણ આપવામાં આવ્યા હતા.એજન્સીએ સહમતી ન આપતા એ ચેક પણ બેંક માંથી પાસ થયા ન્હોતો.અંતે તંત્ર દ્વારા એજન્સીને છેલ્લી વાર આ રકમ જમા કરાવવા જાણ કરી છે ત્યારે એજન્સીએ આ રકમ ટુંક સમયમાં જમા કરાવવા જણાવ્યું છે, ત્યારે એજન્સી આ રકમ ક્યારે જમા કરાવે છે એ જોવું રહ્યું.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા