
ભરૂચ : નવરાત્રીના મધ્યચરણમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિતના પંથકમાં આજે દિવસ દરમિયાન મોસમ અચાનક બદલાઈ જતા ભારે વરસાદ વરસ્યો. જેના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓ અને આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. નવરાત્રીમાં ઉમંગ, ઉત્સાહ અને રંગારંગ માહોલ વચ્ચે વરસાદે રંગમાં ભંગ પાડતા હાલ ચિંતા વધી ગઈ છે.
દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે સવારે બહાર પડેલી આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરાયો છે. તેમાં ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે. સતત વરસતા વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં માર્ગવ્યવહાર ખોરવાયો છે.
ગરબા આયોજકોને ભારે મુઝવણ
ભરૂચ શહેર તેમજ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં નવરાત્રી માટે વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય સ્ટેજ અને લાઇટિંગ સાથે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. પરંતુ ભારે વરસાદને કારણે મેદાનોમાં પાણી ભરાતા આયોજકો ચિંતિત થઈ ગયા છે. ઘણા સ્થળોએ પાણી નિકાલની વ્યવસ્થા પૂરતી ન હોવાને કારણે ખેલૈયાઓને મુશ્કેલી પડે તેવો ભય છે. ઘણા આયોજકો હવે વરસાદ ઓસરી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગરબા મહોત્સવમાં હજારો ખેલૈયાઓ દરરોજ ઉમટી પડે છે. વરસાદને કારણે ખેલૈયાઓને માટી ભરેલા મેદાનમાં રમવામાં મુશ્કેલી પડે છે અને ઘણા સ્થળોએ કાર્યક્રમ રોકવાનો પણ વારો આવે છે.
ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ?
નવરાત્રીમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના ખેલૈયાઓ માટે ગરબા રમવું માત્ર મનોરંજન નહીં પરંતુ ભક્તિ, ઉત્સાહ અને પરંપરાનો ભાગ છે. લોકો આખું વર્ષ નવરાત્રીની રાહ જુએ છે. આવા સમયમાં વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે. ખેલૈયાઓને મેદાનમાં પાણી ભરાય જતા ગરબા રમવામાં મુશ્કેલી પડે છે અને લાઇટિંગ સિસ્ટમ પણ વરસાદને કારણે ખોરવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના સૂત્રો અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણના કારણે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે છે. ભરૂચ જિલ્લાનું તાપમાન ઘટી ગયું છે અને વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.
ખેડૂતો માટે વરસાદ રાહત સમાન
જ્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ વરસાદથી પરેશાન છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી, તુવેર અને અન્ય પાક માટે આ વરસાદ લાભકારી સાબિત થઈ રહ્યો છે. સિંચાઈની સમસ્યા અનુભવી રહેલા ખેડૂતોને આ વરસાદથી મોટી રાહત મળી છે.
પ્રશાસન સતર્ક
રેડ એલર્ટ જાહેર થતા જ જિલ્લા પ્રશાસન સતર્ક થઈ ગયું છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત તંત્ર દ્વારા નાલા અને ડ્રેનેજની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય. સાથે જ ફાયર બ્રિગેડની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે અતિભારે વરસાદ દરમિયાન લોકો નદી-નાળા પાસે ન જાય અને સાવચેતી રાખે.
આયોજકોની અપીલ
ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે વરસાદને કારણે કોઈપણ પ્રકારની અસુવિધા સર્જાય તો સહકાર આપવો. સાથે જ વરસાદ ઓસર્યા પછી આયોજકો દ્વારા મેદાનમાં પાણી નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લાઇટિંગ સિસ્ટમને પણ સુરક્ષિત રાખવા માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં નવરાત્રીના મધ્યચરણમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી આપતા એક તરફ ખેલૈયાઓ અને આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ ખેડૂતોને આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થતા લોકોમાં ચિંતા વધેલી છે. હાલ સૌની નજર આકાશ તરફ છે કે આગામી દિવસોમાં વરસાદ ઓસરે છે કે નહીં જેથી ખેલૈયાઓ ફરી ઉત્સાહપૂર્વક માદરે વ્હાલાની આરાધનામાં ગરબા રમવા ઊતરી શકે.