Satya Tv News

ડેડીયાપાડામાં “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા

રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ–૨૦૨૫” ની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામરપાડા (થવા) ગ્રામ પંચાયત ખાતે “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિકાસ રથને ગ્રામજનોએ કુમકુમ તિલક કરી આવકાર આપ્યો હતો.

સાંસદશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. આદિવાસી વિસ્તારમાં સરકારી કૉલેજો, કૃષિ ઈજનેરી કૉલેજ, સાયન્સ કૉલેજ તથા મેડિકલ કૉલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સુધારો જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના આપણા આદિવાસી યુવાનો માટે આશીર્વાદરૂપ બની છે.

તેમણે જણાવ્યું કે સંજીવની દૂધ યોજના, કિસાન સન્માન નિધિ, પી.એમ. આવાસ યોજના જેવી લોક કલ્યાણકારી યોજનાઓ થકી ડેડીયાપાડા તાલુકો વિકાસના નવા શિખરે પહોંચ્યો છે. વનબંધુ કલ્યાણ યોજના હેઠળ નવી શાળાઓની સ્થાપનાથી આદિવાસી સમાજમાં નવી ઉજાસ ફેલાઈ છે. “‘હર હાથ કો કામ’ એ મંત્ર આપણા સરકારના ધ્યેયને સાકાર કરી રહ્યો છે,” તેમ સાંસદશ્રીએ ઉમેર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો વહેંચતા જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કરોડો લોકોને મફત અનાજ મળવાથી સામાન્ય પરિવારોને રાહત મળી છે.

આ પ્રસંગે સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ સૌએ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટે સંકલ્પ લીધો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી સંજય વસાવા, ગ્રામ પંચાયત સરપંચશ્રી શકુંતલાબેન વસાવા, ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા, દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, મામલતદાર એસ.વી. વિરોલા, તાલુકા વિકાસ અધિકારી જગદીશકુમાર એ. સોની, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશકુમાર દેસાઈ, આઈ.ટી.આઈ. નોડલ અધિકારી એસ.એમ. મહેતા, તેમજ શાળાના આચાર્યો, તલાટી, સી.ડી.પી.ઓ., ટી.એચ.ઓ., શાળાના બાળકો, લાભાર્થીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: