Satya Tv News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “સેવા, સુશાસન અને જનકલ્યાણના ૨૪ વર્ષ” તરીકે ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત નર્મદા જિલ્લાની દેડીયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં વિકાસ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં તા.7 મી ઓક્ટોબરથી ગામે ગામ ભ્રમણ કરી રહેલો વિકાસ રથ દેડીયાપાડા તાલુકા મથકે આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું.

સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી આઈએએસ અને આઈપીએસ બની સમાજનું ગૌરવ વધારશે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે, કારણ કે “નારી સશક્ત હશે તો જ દેશ મજબૂત બનશે.” તેમ તેઓએ ઉમેર્યું હતું.

સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે, આયુષ્માન ભારત કાર્ડ યોજના દ્વારા પ્રત્યેક લાભાર્થીને રૂ.૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવારની સુવિધા મળી રહે છે. સરકાર માતા-બાળ આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. મિશન મંગલમ જેવી યોજનાઓ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે, જ્યારે ખીલ ખિલાટ જેવી પહેલ થકી બાળક અને માતાની સુરક્ષામાં વધારો થયો છે, જે સરકારની સરાહનીય કામગીરી છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો – પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. આ અવસરે લાભાર્થીઓએ પોતાના અનુભવો પણ ઉપસ્થિત સૌ સામે પ્રસ્તુત કર્યા હતા.

કાર્યક્રમના અંતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લઈ, સૌએ “વોકલ ફોર લોકલ” ના મંત્ર સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ માટેનો સંકલ્પ કર્યો હતો. આ અવસરે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, મામલતદારશ્રી એસ.વી. વિરોલા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જગદીશ સોની, ગામના સરપંચ શ્રીમતી વર્ષાબેન વસાવા, પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશ દેસાઈ, સી.ડી.પી.ઓ. ટીનાબેન ચૌધરી સહિત આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: