જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા એક દલિત યુવાને તાજેતરમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધા બાદ આ પ્રકરણમાં યુવકની મોબાઈલ ફોનની ડિટેઇલના આધારે પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું અને પ્રેમિકાએ યુવક દલિત જ્ઞાતિના હોવાથી હલકી જાતિના સાથે લગ્ન નહીં કરવાનું જણાવી લગ્ન નો ઇન્કાર કરી દેતાં યુવકે આત્મહત્યા કરી લીધી હોવાનું તારણ નીકળ્યું છે, અને પોલીસે પ્રેમિકા સામે મૃતકને હડધુત કરવા અને મરી જવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા અશ્વિન મલજીભાઈ પરમાર નામના 25 વર્ષના દલિત જ્ઞાતિના યુવાને ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે તે વખતે પોલીસ તપાસમાં કોઈ કારણ જાણવા મળ્યું ન હતું, પરંતુ પરિવારજનો દ્વારા મૃતક યુવાનના મોબાઈલ ફોનમાં ચેક કરતાં તેને સિક્કા ગામમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીએ અને તેના પરિવારે નીચી જાતિના હોવાના કારણે લગ્ન થવા શક્ય ન હોવાનું જણાવી લગ્ન કરી લેવાનો ઇનકાર કર્યો હતો. જેથી પ્રેમી યુવાન હતાશ બન્યો હતો, અને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનું પગલૂ ભરી લીધુ હતું.
આ સમગ્ર પ્રકરણ ખુલ્યા બાદ મૃતક અશ્વિન પરમારના ભાઈ હસમુખભાઈ પરમારે જામનગરના સિક્કા પોલીસ મથકમાં પોતાના ભાઈને સમાજમાં હલકો પાડવા માટે હડધુત કરવા અંગે, તેમજ મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે દિપાલીબેન જીતુભાઈ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ્ટ્રોસિટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને આરોપી મહિલાની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.