


મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા અંદાજિત રૂપિયા 7.15 કરોડના ખર્ચે રોડનું રિસરફેસિંગ અને માઈનોર બ્રિજનું કાર્ય હાથ ધરાશે
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો
નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગસુવિધાઓને વધુ સલામત અને નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા દેડિયાપાડા તાલુકામાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વિવિધ માર્ગ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પેટા વિભાગ, દેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા આ કાર્યો અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પાટડી બોરીડાબરા રોડ અને પાટડી એપ્રોચ રોડનું રિસરફેસિંગ તથા પાટડી બોરીડાબરા રોડ પર પુલનું કામ મળી અંદાજિત કુલ રૂપિયા 5.45 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત કુંડીઆંબા-આંજણવાઈ રોડનું કિસરફેસિંગ અને આરસીસી રોડનું અંદાજિત રૂપિયા 1.69 કરોડના ખર્ચે કાર્ય હાથ ધરાશે. આ બંને યોજનાઓ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોને રોજિંદી અવરજવર વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારોના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, “સરકારશ્રી લોકસુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસ કાર્યો અમલમાં મૂકી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોનો વિકાસ થવાથી ખેડૂતોને પોતાના પાક અને કૃષિ ઉત્પાદનો બજારો સુધી પહોંચાડવામાં સરળતા બની રહેશે. ગ્રામજનોને આરોગ્ય, વ્યવસાય તથા રોજિંદી અવરજવરમાં પણ સુવિધા મળશે. આ પ્રોજેક્ટો પૂર્ણ થતાં ગામડાંઓને વધુ સુગમ માર્ગવ્યવસ્થા મળશે.”
આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંગભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના ઈજનેરશ્રી તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા