અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રાફિક નિયમન કરી રહેલાં પોલીસકર્મીને ટકકર મારી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ જતાં તેનું મોત નીપજયું હતું. અકસ્માત બાદ ફરાર થઇ ગયેલાં ટ્રક ચાલકને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અંકલેશ્વર જીઆઇડીસીમાંથી કન્ટેનરના ડ્રાઇવરને ઝડપી પાડયો છે.
ગત રોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત થયું હતું. ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મી વિવેકસિંહ ડાભીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

સુરતથી અંકલેશ્વર આવતા ટ્રેક પર દર્શન હોટલની પાસે રોંગ સાઈડ જતી ટ્રકને પોલીસ કર્મચારીએ રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ટ્રકચાલકે ટકકર મારતાં પોલીસકર્મી મોતને ભેટયો હતો. પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. માર્ગ પર આવેલી હોટલ તેમજ ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં.
સીસીટીવી ફૂટેજમાં એક ટ્રક ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ ટ્રક અંકલેશ્વર જીઆઇડીસીમાં હોવાની માહિતી મળતાં પાનોલી પોલીસે દરોડો પાડી ટ્રકના ડ્રાઇવર વિપીનકુમાર ઉર્ફે બબલું અશોકકુમારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ શરુ કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં આરોપી ને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો.