
માહિતી મુજબ, 26 ઓક્ટોબરના રોજ ભરૂચની બોસ્ટન હોટલ પાસેથી ચોરી થયેલી ઇક્કો કાર નબીપુર-હિંગલ્લા તરફથી ભરૂચ તરફ આવી રહી હોવાની બાતમી મળતા સી ડિવિઝન પોલીસે પગુથણ-ચાવજ ગામ વચ્ચેની કેનાલ પાસે ચેકિંગ ગોઠવ્યું હતું.તે દરમિયાન બાતમીવાળી ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર બેઠેલા બે ઇસમોને ઝડપી લીધા હતા.
જડપાયેલા આરોપીઓમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ દમણના વટાર ગામે રહેતા અભિષેક રાજેશ બસાવન પાંડે તથા દમણના ધાબેલ રોડ પર ભાડેથી રહેતા સોનું મુન્નાલાલ શાહુનો સમાવેશ થાય છે.તપાસ દરમિયાન સોનું શાહુની કમર પાસે દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
પૂછપરછમાં જાણવા મળ્યું કે,સોનું શાહુએ આ તમંચો ઉત્તર પ્રદેશના ગરોલી ગામે રહેતા પોતાના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી રૂ.5,000માં ખરીદ્યો હતો.પોલીસે બંનેની ધરપકડ કરી દેશી તમંચો અને ચોરીની ઇક્કો કાર સહિત કુલ રૂ.1.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે કે ચોરીની કાર અન્ય ગુનાઓમાં ઉપયોગમાં લેવાઈ હતી કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સાથે જ ઉત્તર પ્રદેશના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.