ફરિયાદ મુજબ, કલ્પેશભાઈને ઘણા વર્ષોથી દારૂ પીવાની આદત હોવાથી તેઓનું લીવર ફેલ થઈ ગયું હતું. જેના કારણે કલ્પેશભાઈને તેમના પુત્ર ઋષભ સાથે અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. દરમિયાન દોઢ મહિના પૂર્વે કલ્પેશને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેમના દીકરા ઋષભ દ્વારા જ તેઓની સંભાળ રાખવામાં આવી હતી. જોકે ગઈકાલે 1 નવેમ્બર 2025ના રોજ ઋષભે અચાનક તેના કાકાને ફરિયાદ હિતેશ વ્યાસને કોલ કરીને જણાવ્યું કે, પપ્પા(કલ્પેશભાઈ) સૂતા બાદ ઉઠ્યા નથી. તેમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તેઓ ઉઠતા નથી.
આટલી જાણ થતા જ હિતેશભાઈએ તાત્કાલિક અસરથી તેમના નાના ભાઈને ફોન કરીને તાત્કાલિક ગુરુજીનગર વાળા ઘરે પહોંચવાનું કહ્યું હતું. જ્યાં કલ્પેશભાઈ નીચે સૂતા હતા, તેમજ ઋષભ તેમની પાસે બેઠો હતો. ત્યાર બાદ ઋષભને પૂછતા તેણે જણાવ્યું હતું કે, રાત્રિના સમયે હું અને પપ્પા સાથે જમ્યા હતા. જેબાદ સાડા દસ વાગ્યા આસપાસ પિતા કલ્પેશભાઈ દારૂ પીધેલી હાલતમાં હતા અને મને તથા મારી મમ્મીને ગાળો આપતા હતા. જેથી મેં તેમને ચૂપ રહેવાનું જણાવ્યું હતું. આ દરમિયાન બોલાચાલી શરૂ થઈ હતી.
ઋષભ અનુસાર બોલાચાલી, તેણે તેના પિતાને કહ્યું હતું કે, તમારી દારૂ પીવાની ટેવના કારણે તમારા હોસ્પિટલના ખર્ચમાં મારા રૂપિયા ખર્ચાઈ ગયા છે. તેમ છતાં તમે સુધરતા નથી તમારી આદત તમે છોડતા નથી. તમારી આદતોથી કંટાળીને હું અને મમ્મી પણ અલગ થઈ ચૂક્યા છીએ. ઋષભે આટલું કહેતા જ તેના પિતા કલ્પેશભાઈ વધુ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલતા હતા, જેથી ઋષભને પણ ગુસ્સો આવતા તેણે પોતાના પિતાના છાતીના ભાગે બેથી ત્રણ જેટલા મુક્કા માર્યા હતા. તેમજ પેટના ભાગે તેમજ મોઢાના ભાગે માર માર્યો હતો. ત્યાર બાદ દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેઓ નીચે પડી ગયા હતા અને બાદમાં તેઓ નીચે સૂઈ ગયા હતા. જોકે ઘટના બાદ ઋષભ સેટી ઉપર સૂઈ ગયો હતો. પરંતુ સવારે તેમને જગાડતા કલ્પેશભાઈ ઉઠ્યા જ નહીં. જે બાદ આખી ઘટના પ્રકાશમાં આવી.
આમ, મૃતક કલ્પેશ વ્યાસના ભાઈ હિતેશ વ્યાસની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે, જે અંગે PI હરેશકુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પીએમ રિપોર્ટમાં મૃત્યુનું પ્રાથમિક કારણ કલ્પેશભાઈને માથાના ભાગે, દાઢીના ભાગે તેમજ પાંસળીઓના ભાગે તથા પેટના ભાગે ઈજા થવાથી તેમનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઋષભ પણ પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા બનાવ સંદર્ભે ઋષભની અટકાયત પણ કરી લેવામાં આવી છે.