
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કરૂણ મોત થયું છે.
પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમરતપુરા પાટીયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતાં જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઇ દુખ વ્યક્ત કર્યું છે.
અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નજીકના સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 17મી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું