
જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહા મંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા છે. સ્યુસાઈડ નોટમાં લઘુ મહંતે પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ કરી તેઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભરી રહ્યા છે. કોઈને કોઈ કારણસર ત્રાસ અપાતો હોવાથી ભારતી આશ્રમના વિવિધ સ્થળે ઘણાં સમયથી ફરી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હાલ હું જટાશંકર નજીક છું. મને અહીંથી લઇ જાઓ. મારી ભૂલ થઇ ગઇ છે. મારે આશ્રમ આવવું છે.’
આ ફોન કોલ પછી ભારતી આશ્રમના સંચાલકો અને સેવકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને સેવકગણ તેમના છેલ્લા લોકેશન જટાશંકર પહોંચ્યા હતા. જો કે, મહાદેવ ભારતી બાપુ ત્યાંથી પણ નીકળી ગયા હતા. આ દરમિયાન પોલીસે મોબાઇલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે બાપુની શોધખોળ શરૂ કરી. પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરાઈ રહી છે. સવારથી અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેનો કોઈ પતો લાગ્યો નથી.
ભારતી આશ્રમ અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે. અગાઉ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પોતે ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમને લઈ વિવાદ થયો હતો. હવે લઘુ મહંત સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ જતા ફરી નવો વિવાદ સર્જાયો છે.
આશ્રમમાં રહેતા અને વહીવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહીવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
મહાદેવ ભારતીએ હિતેષ ઝડફીયા, કૃણાલ શીયાણી, પરેશ ઉર્ફે પરમેશ્વર ભારતી તથા અમદાવાદના નિલેશભાઈ ડોડીયા અને રોનક સોનીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે નોટમાં લખ્યું છે કે, આ બધાને તેમના કર્મની સજા મળે કે જેથી બીજા કોઈનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે.
ભારતી આશ્રમના લઘુ મહંત અને મહા મંડલેશ્વર મહાદેવ બાપુએ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, હું બધાના ત્રાસથી મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું, હું આજે જંગલમાં ગિરનારીના સાનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું, મારી એવી ઈચ્છા છે કે મારે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ન આવ્યું હોય પણ મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે એટલા માટે હું જંગલમાં જઈ રહ્યું છું, કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો. કેમ કે, મારે આશ્રમમાં જમીન નથી રોકવી. મેં દેહદાનનો સંકલ્પ પણ કર્યો છે, સિવિલમાં ફોર્મ ભરવું હતું પરંતુ શક્ય ન બનતા સંજયભાઈ સાથે ફોનમાં વાત કરી છે અને તેનું રેકોર્ડિંગ પણ છે.
આશ્રમના સેવક ચિરાગ પરમારના જણાવ્યા અનુસાર, આ સમાચાર સાંભળીને મુખ્ય મહંત હરિહરાનંદ બાપુની તબિયત ખરાબ થઈ છે અને ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે. તેમની તબિયત નાજુક હોવાથી તેઓ જાતે નિવેદન આપી શક્યા નથી. આ ઘટનાને પગલે આશ્રમના અન્ય સંતો અને સેવકોમાં ચિંતાનો માહોલ છે.
ભારતી આશ્રમના ઈશ્વરાનંદ ભારતી બાપુએ જણાવ્યું કે આ સમાચારથી સૌ કોઈ દુઃખી છે. તેમણે સેવક ગણને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ ખોટી અફવામાં ન આવે અથવા ખોટી અફવાઓ ન ફેલાવે. આશ્રમના પ્રતિનિધિઓએ જૂનાગઢ પોલીસ તંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ટૂંક સમયમાં મહાદેવ ભારતીજીને શોધીને આશ્રમમાં હેમખેમ પરત લાવશે. આ સમાચાર મળતા ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ પણ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. હાલ, પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.