તમિલનાડુના કોઈમ્બતુરમાં કોલેજની વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓને સોમવારે પોલીસે એન્કાઉન્ટર બાદ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં ત્રણેય આરોપીઓના પગમાં ગોળી વાગી હતી.
અહેવાલો અનુસાર, પોલીસ ટીમ દુષ્કર્મ કેસના આરોપીઓની શોધમાં હતી. જ્યારે પોલીસે આરોપીઓને એક મંદિર પાસે ઘેરી લીધા, ત્યારે ત્રણેયે તેમના પર દાતરડાં વડે હુમલો કર્યો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખરને ડાબા હાથ અને કાંડામાં ઈજા થઈ હતી. પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો, જેના પરિણામે ત્રણેય આરોપીઓના પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી અને તેમને કોઈમ્બતુર જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ થવાસી, કરુપ્પાસ્વામી અને કાલીશ્વરન તરીકે થઈ છે. ત્રણેય આરોપીઓ શિવગંગાઈ જિલ્લાના રહેવાસી છે અને કોઈમ્બતુરમાં એક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા.
દુષ્કર્મની આ ગંભીર ઘટના રવિવારે (બીજી નવેમ્બર) રાત્રે બની હોવાના અહેવાલ છે. પીડિતા કોલેજની વિદ્યાર્થિની છે અને તે બોયફ્રેન્ડ સાથે કારમાં બહાર ગઈ હતી. રાત્રિભોજન પછી તેઓ એકાંત વિસ્તારમાં હતા. આ દરમિયાન રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, ત્રણ અજાણ્યા શખસોએ તેમની પાર્ક કરેલી કાર પર પથ્થર ફેંકીને વિન્ડશિલ્ડ તોડી નાખ્યું હતું. હુમલાખોરોએ બોયફ્રેન્ડને બહાર ખેંચીને છરી બતાવી ધમકી આપી અને પ્રતિકાર કરવા બદલ તેને માર માર્યો, જેનાથી તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ. ત્યારબાદ હુમલાખોરોએ વિદ્યાર્થિનીને બળજબરીથી કારમાંથી બહાર કાઢી અને એરપોર્ટથી લગભગ એક કિલોમીટર દૂર મોટર-રૂમ જેવા શેડમાં લઈ જઈને તેની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર તમિલનાડુમાં આક્રોશ ફેલાયો છે.