નિવાલ્દાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ભવ્ય આયોજન કરાયું



નર્મદા જિલ્લાના દેડિયાપાડા-ચીકદા તાલુકાના આદિવાસી કર્મચારી લોકકલ્યાણ ટ્રસ્ટ દ્વારા તા.૦૨/૧૧/૨૦૨૫ ના રોજ નિવાલ્દા સ્થિત સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલ ખાતે ભવ્ય સ્નેહ સંમ્મેલન તથા વય નિવૃત્ત અને નવ નિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વડીલ અધિકારીઓ, યુવા કર્મચારીઓ, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ધરતી વંદના સાથે કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના આદરભાવનું પ્રતિક છે. વર્ષ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન ધારી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે ડૉ. રમેશભાઈ વસાવા (મદદનીશ પ્રાધ્યાપક), સુરેન્દ્રભાઈ વસાવા (આચાર્યશ્રી), ચંદ્રસિંહભાઈ વસાવા (ક્લાર્ક), અરવિંદભાઈ વસાવા (ઇજનેર), મથુરભાઈ વસાવા (શિક્ષક અને સાહિત્યકાર), હેમંતભાઈ વસાવા (આચાર્યશ્રી) અને ડૉ. દિલીપભાઈ વસાવા (પ્રોફેસર)એ પોતાના પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. વક્તાઓએ આદિવાસી સમાજના શૈક્ષણિક, સામાજિક તથા સાંસ્કૃતિક ઉન્નતિ માટે એકતા, જવાબદારી અને સેવા ભાવનાને અનિવાર્ય ગણાવી સૌને પ્રેરિત કર્યા હતા.
આ અવસરે ૭ વય નિવૃત્ત કર્મચારીઓને સાલ અને શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ૩૭ નવ નિયુક્ત કર્મચારીઓને સાલ તથા ભારતીય સંવિધાનની બુક ભેટરૂપે આપી લોકસેવાના માર્ગે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા સૌના સહકાર અને સંકલનથી કાર્યક્રમને યાદગાર અને અર્થપૂર્ણ બનાવાયો હતો. આ સ્નેહ સંમ્મેલન માત્ર સન્માનનો કાર્યક્રમ ન રહી, પરંતુ આદિવાસી કર્મચારીઓમાં એકતા, સહયોગ અને સમૂહજાગૃતિનો સંદેશ પાથરતો એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થયો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા