Satya Tv News

જમ્મુ અને કાશ્મીર પોલીસે દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરીને હરિયાણાના ફરીદાબાદમાં એક ડૉક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીએ દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે અને આતંકવાદી નેટવર્કના નવા જોડાણો તરફ ઈશારો કર્યો છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ખાસ ટીમે સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો હતો. પોલીસે રૂમમાંથી નીચે મુજબનો સામાન જપ્ત કર્યો છે. જેમાં આશરે 300 કિલો RDX, એક AK-47 રાઇફલ, 84 કારતુસ અને મોટી માત્રામાં શંકાસ્પદ રસાયણો મળી આવ્યા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આ કાર્યવાહી આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGH)ની તપાસનો એક ભાગ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ ડોક્ટરો આ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા. આમાંથી બે ડોક્ટરો, અનંતનાગનો રહેવાસી આદિલ અહેમદ રાથરની સહારનપુરથી અને પુલવામાનો રહેવાસી મુઝમ્મિલ શકીલની ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.જો કે, ત્રીજો ડોક્ટર હજુ પણ પોલીસની પકડમાંથી ફરાર છે.

પકડાયેલા ડોક્ટર આદિલ અહેમદ રાથરનું નામ અગાઉ પણ એક સનસનાટીભર્યા કેસમાં સામે આવ્યું હતું. થોડા સમય પહેલાં જ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજ (GMC) ખાતે તેમના અંગત લોકરમાંથી એક AK-47 રાઇફલ મળી આવી હતી. આદિલ રાથેર કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કાર્યરત હતા, પરંતુ તેમણે 24 ઓક્ટોબર, 2024ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

પ્રાથમિક તપાસ મુજબ, આદીલ અને તેના ડોક્ટર સાથીઓ આતંકવાદી સંગઠન AGHના નેટવર્કને ફરીથી સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. AGHની રચના 2017માં હિઝબુલ મુજાહિદ્દીનના પૂર્વ કમાન્ડર ઝાકિર મુસા દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠનનો હેતુ કાશ્મીરમાં શરિયા કાયદા હેઠળ ઇસ્લામિક રાજ્ય સ્થાપિત કરવાનો અને ભારત સામે જેહાદ ચલાવવાનો છે.

પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે RDX અને હથિયારોનો આટલો મોટો જથ્થો ફરીદાબાદ કેવી રીતે પહોંચ્યો અને આતંકવાદીઓ સાથે ડોક્ટરોની ચોક્કસ ભૂમિકા શું હતી. પ્રાથમિક તપાસમાં આ નેટવર્ક ઘણાં રાજ્યોમાં ફેલાયેલું હોવાનું સૂચવવામાં આવ્યું છે, અને એજન્સીઓ કાશ્મીર ખીણ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે તેના સંબંધો શોધી રહી છે.

error: