

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીક્ટ લેવલ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ (દિશા) કમિટીની ત્રિમાસિક બેઠક ભરૂચના સાંસદશ્રી-વ-દિશા સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલા ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંગભાઈ તડવી, નાંદોદ ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ, દેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને સદસ્યશ્રીઓ તથા દિશા કમિટીના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
દિશા કમિટીના બેઠકમાં જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી વાય.એસ. ચૌધરીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર અને સરકારશ્રીની યોજનાના ગ્રાઉન્ડ લેવલ પર થયેલા કામોની વિસ્તૃતમાં માહિતી આપી હતી. ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને તેમના વિભાગો દ્વારા જિલ્લામાં ફાળવેલા લક્ષ્યાંક અનુસાર થયેલી કામગીરી તથા બાકી કામોની વિગતો અને નાણાંકીય ખર્ચની વિગતો અંગે અધ્યક્ષ અને સભ્યોને જાણકારી આપી હતી. આ દરમિયાન તબક્કાવાર તમામ યોજનાઓના અમલીકરણ સંદર્ભે ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો અંગેની પૂર્તતા અને પ્રગતિના કામો તથા બાકી રહેલ કામોના કારણો સહિત વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગો દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન દિશા સમિતિના અધ્યક્ષશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ જનમન, મનરેગા યોજના, ટ્ર્રાઈબલ એરીયા સબ પ્લાન, મધ્યાહન ભોજન, પી.એમ.પોષણ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, પુરક અને પોષણ સુધા યોજના, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સહિત વિવિધ વિભાગની યોજનાઓ અંતર્ગત માહે ઓક્ટોબર ૨૦૨૫માં થયેલ પ્રગતિમાં કામો અને ખર્ચની સમિક્ષા કરવામાં આવી હતી.
દિશા સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઈ વસાવાએ સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે લોકહિતને ધ્યાને લઈ યોજનાઓ અમલમાં કરવામાં આવે તેમજ ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ખાસ કરીને જરૂરિયાત લાભાર્થીઓને મળી રહે તે માટે પ્રાધાન્ય આપવા, ખેતીના સિંચાઈ માટેના બોર, જ્યાં વીજ કનેકશનનો પ્રોબ્લેમને પ્રાધાન્ય આપી ગામડાઓ સુધી પૂરતો વીજ પુરવઠો પહોંચાડવો, મધ્યાહન ભોજન અંગે, આશ્રમશાળા અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
વધુમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધી વિકસિત ભારત બનાવવા બનાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. જેમાં સૌનો સાથ સહકાર મળી રહે અને છેવાડાના લોકોને સરકારશ્રી દ્વારા મળતી યોજનાઓને પૂરી પાડવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
મિટિંગ દરમિયાન કુલ ૫૪ જેટલા વિભાગને આવરી લઈને સરકાર દ્વારા મળતી યોજનાકીય સહાય અંગે દિશા કમિટીના અધ્યક્ષશ્રીએ માહિતી મેળવીને જરૂરી સલાહ-સુચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. વી. વાળા, પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંચુ વિલ્સન, રાજપીપલા નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર, નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જૂહી પાંડે સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા