Satya Tv News

નવસારીના બીલીમોરામાં ફિલ્મ ‘વશ’ જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેનાં બે બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. એ બાદ તેના સસરા પર ગ્લાસ વડે હુમલો કર્યા બાદ બચકું ભરીને કાન તોડી નાખ્યો હતો. જોકે સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો છે.

ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મુળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે 1:30 વાગ્યે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે ‘તારાં બાળકોને મારી નાખ’ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેનાં બે બાળકનું ગળું દબાવી દીધું હતું. એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.

ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન 2.30 વાગ્યે પોલીસકાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી. પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

DySPના જણાવ્યા મુજબ આરોપી મહિલા ભગવાનના મંદિરે નિયમિત દર્શન કરવા જતી હોવાનું હાલ જાણવા મળ્યું છે. હાલ પોલીસ આરોપીની પુછપરછ કરી રહી છે, આ મામલે અમે મનોચિકિત્સક ડોક્ટરોની મદદ લઇને પણ તેની પુછપરછ કરીશું. આ તાંત્રિક વિધિ છે કે પછી મહિલા જણાવી રહી છે એ મુજબ ફિલ્મ વશ જેવી ઘટના છે એ મામલે હાલ અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ અને FSLની ટીમ તપાસ કરી રહી છે. આગળની તપાસ બાદ જ સામે આવશે કે ખરેખર મહિલાએ આવું શું કામ કર્યું.

https://www.instagram.com/reel/DRB4YbYCNQU/?igsh=MTZzeXp6djl2MnYzMw==

મારા બંને પૌત્રને મારીને મારા દીકરાની વહુ બહાર આવીને મારા પર હુમલો કર્યો. પ્રથમ એણે ગ્લાસથી મને મારવાનું શરૂ કર્યું મેં ખુબ બુમાબુમ કરીને બચવાનો પ્રયત્ન કર્યો, જે બાદ તેણે મારા કાનને બચકુ ભરી લીધું. હું માંડ માંડ કરીને બહાર ભાગી ગયો બાકી મારા દીકરાની વહુ મને પણ મારી નાંખવાની હતી. બહાર ભાગીને મેં બુમાબુમ કરતાં પાડોશીઓ ભેગા થયા અને પછી પોલીસ બોલાવી હતી.

error: