
રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહી ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો નોંધી મદદ કરનાર શિક્ષિકાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી શિક્ષક ફરાર છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી 35 વર્ષીય પીડિતાની મિત્રતા પ્રીતિબેન ઘેટિયા સાથે હતી. પ્રીતિબેન મોરબી જિલ્લામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પ્રીતિએ પીડિતાનો પરિચય પડધરીના રોહીશાળાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ રવજીભાઈ સોલંકી (રહે. અતુલ્યમ આંગન, માધાપર ચોકડી) સાથે કરાવ્યો હતો.
વર્ષ 2022માં આરોપી મુકેશે પ્રીતિના ફ્લેટ પર જ પીડિતા પર પ્રથમવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ માટે શિક્ષિકા પ્રીતિએ તેમને એકાંત પૂરું પાડ્યું હતું. આ દરમિયાન મુકેશે પીડિતાના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. ત્યારબાદ આ વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી અવારનવાર પીડિતા પર દુષ્કર્મ ગુજારતો હતો. એટલું જ નહીં, બ્લેકમેઈલિંગ કરીને કટકે-કટકે કુલ રૂ. 4.25 લાખ પણ પડાવી લીધા હતા.
હવસખોર શિક્ષકનો ત્રાસ અહીં જ અટક્યો નહોતો. જ્યારે પીડિતાના લગ્ન નક્કી થયા ત્યારે મુકેશે ત્યાં પહોંચીને લગ્ન તોડાવી નાખ્યા હતા. એક વખત આરોપીએ પીડિતાને પોતાની કારમાં બેસાડી ચાર્જિંગ વાયર અને હાથના કડા વડે માર માર્યો હતો. તેમજ આરોપી શિક્ષક અને તેની મદદગાર શિક્ષિકાએ પીડિતાના ઘરે જઈને પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આખરે કંટાળીને પીડિતાએ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPCની કલમ મુજબ દુષ્કર્મ, બ્લેકમેઈલિંગ અને મદદગારીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગુનામાં સાથ આપનાર શિક્ષિકા પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરી છે.
પોલીસ માટે હાલ એ તપાસનો વિષય છે કે આરોપી મુકેશ પરિણીત છે અને એક પુત્રીનો પિતા છે, તેમ છતાં શિક્ષિકા પ્રીતિ તેને આવા ઘૃણાસ્પદ કૃત્યમાં શા માટે મદદ કરતી હતી? શું તેમની વચ્ચે કોઈ અન્ય સંબંધ છે કે કેમ? તે દિશામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. મુખ્ય આરોપી મુકેશ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.