Satya Tv News

AAP પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાને ભાજપ પ્રમુખ નીલ રાવે બદનક્ષીની નોટીસ ફટકારી;

નિરંજન વસાવા ‘ ડિગ્રી ચોર’ અને ‘વીજળી ચોર’ છે.: નીલ રાવ

નર્મદા જિલ્લામાં હાલ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક બીજાની સામ સામે આવી જતા નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના સગા ભાઈને પોલીસે દારૂ સાથે ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. આ ઘટના બાદ નિરંજન વસાવાએ ભાજપ સાંસદ મનસુખ વસાવા પર પૈસા લીધા હોવાનો તથા નીલ રાવ સહિત અન્ય ભાજપના નેતાઓ દારૂનું પાયલોટિંગ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચ્યો છે. નિરંજન વસાવાના આ આક્ષેપ બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા વસાવા, જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવાએ નિરંજન વસાવા વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડવા કાર્યવાહી તેજ કરી નોટિસો તૈયાર કરી દીધી છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે જણાવ્યું હતુ કે નિરંજન વસાવા અને તેમના બંને ભાઈઓ ભદ્રેશ અને હાર્દિક ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, નિરંજન વસાવા પર અગાઉ ૧૦ જેટલા કેસ થયા છે. નિરંજન વસાવાએ ભૂતકાળમાં કોલેજની પરીક્ષામાં બીજાને બેસાડ્યો હતો, અને વીજ ચોરીમાં પણ એ પકડાયો હતો. નિરંજન વસાવા ‘ ડિગ્રી ચોર’ અને ‘વીજળી ચોર’ છે. આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવાને ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા સાથે રાખશે તો એમની છબી પણ ખરાબ કરશે, પાર્ટી એને સસ્પેન્ડ કરશે. નીલ રાવે જણાવ્યું કે ભૂતકાળમાં જ્યારે નિરંજન વસાવા ભાજપમાં હતા, ત્યારે તેઓ અનાજ ચોરી કરતાં રંગેહાથે પકડાયા હતા અને તે બદલ તેમને પાર્ટી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નિરંજન વસાવા પાસે આટલા ટૂંકા સમયમાં આટલી બધી પ્રોપર્ટી મિલ્કત કેવી રીતે આવી એની તંત્રએ તપાસ કરવી જોઈએ .એનો બંગલો અને હોટલ પણ રેલ્વે ની જમીનમાં છે, રેલ્વે દ્વારા કેસ પણ થયો છે, રેલ્વે દ્વારા માપણી કરાવી લેવાઈ હોવા છતાં પણ કેમ કોઈ કાર્યવાહી થતી નથી. જો તંત્ર ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નિરંજન વસાવા વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ. નિરંજન વસાવાના તમામ કારનામા ની ફાઇલ મારી પાસે તૈયાર છે, એ સમય અને સ્થળ નક્કી કરે તો હું નિરંજન વસાવા સાથે જાહેરમાં ડિબેટ કરવા તૈયાર છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: