Satya Tv News

ભરૂચના પાલેજ પાસે નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો આરંભ કરાશેની જાહેરાત કરી પૂછપરછ માટે ઓફિસનો આરંભ કરાયો છે.

ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી એચ એચ એમ સી એજ્યુકેશનલ કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ બોર્ડની પ્રથમ સંસ્થા શરૂ થવા જઈ રહી છે, ત્યારબાદ આજ કેમ્પસમાં સમય અનુસાર અન્ય વિવિધ પ્રકારના ઉચ્ચ શિક્ષણ પુરું પાડતા વિવિધ અભ્યાસક્રમો અને સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ પ્રસંગે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન અધિકૃત ગાદીપતિ- સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેમના સુપુત્ર અને અનુગામી ડો.મતાઉદ્દીન ચિશ્તી તેમજ તેમની ટીમે કેમ્પસની મુલાકાત લઇ વાલીઓની સુવિધાઓ અને પૂછપરછ માટે ઓફિસનો આરંભ કરાવ્યો હતો, જયાં ટૂંક સમયમા વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થશે.

આવનાર સમયમાં રાજ્ય, જિલ્લા તેમજ આસપાસના વિધાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે, અને અનુભવી શિક્ષકો દ્રારા વિધાર્થીઓનું ઘડતર થઇ શકે તે માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણવિદોના સમન્વયથી ગુણવત્તા સભર શિક્ષણ પુરું પાડવા આયોજન ચાલી રહ્યું છે.
આ ઉપરાંત ડો.મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું હતું કે, માત્ર લખતા કે વાંચતા થવું એ શિક્ષણનો હેતું નથી, પરંતું વિધાર્થીઓમાં સમાનતા, સભાનતા અને યથાર્થતા સહિત સંસ્કારોનું સિંચન અને ઘડતર થાય ત્યારેજ વાસ્તવમાં શિક્ષણનો હેતુ સાર્થક થઇ શકે છે.

આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડિજિટલ કલાસ રૂમો, પૂરતા પાર્કિંગ સહિત તમામ સુવિધાઓથી સજ્જ આ કેમ્પસનો અનેક વિસ્તારના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકશે, જેને લઇ હર્ષની લાગણી જોવા મળી હતી. કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિજીકસ, મેથ્સ, કોમ્પ્યુટરલેબ, સાથે ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલ બસ તેમજ અત્યંત આધુનિક સુવિધાઓ, વિધાર્થીઓ માટે રમત ગમત માટેનું પ્લેગ્રાઉન્ડ, કેન્ટીન, શુદ્ધ પાણી માટે આરઓની સુવિધા પણ કરવામાં આવી છે.

આ સાથે એક નવતર અભિગમના ભાગરૂપે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટ્રેનિંગ એન્ડ કરિયર ડેવલપમેન્ટ(આઈટીસીડી) પણ શરુ કરવામાં આવશે, જેમાં વર્તમાન સમયને અનુલક્ષીને દિકરાઓ અને દિકરીઓ માટે વિવિધ કોર્સ, શિબિરો તેમજ તાલિમનો સમાવેશ કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અહીંના વિધાર્થીઓ અનુભવી શકે એ દિશામાં તમામ પ્રયત્નો તેમજ આયોજન કરવામાં આવનાર છે.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: