અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજારમાં લોટની એક ગુણનો ભાવ રૂ. 2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. 2700 બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે દેશની પ્રજા ઉપર ભુખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. જુદા જુદા પ્રકારની દાળ અને ખાદ્ય તેલોના ભાવ પણ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયા છે.
અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીના ભાવોને વધતાં જોઇને યુનાઇટેડ નેશન્સે પણ અફઘાનિસ્તાનમાં બહુ મોટા માનવીય સંકટની ચેતવણી આપી દીધી છે. કાબુલના એક દુકાનદાર સૈફુલ્લાએ કહ્યું હતું કે અનાજ અને જીવન જરૂરી અન્ય ચીજવસ્તુોના વધતા ભાવ માટે અફઘાનિસ્તાનના રૂપિયા સામે અમેરિકન ડોલરનો વધતો ભાવ જવાબદાર છે.
ખાદ્ય સામગ્રી અને અનાજના આસમાને પહોંચી ગયેલા ભાવના કારણે દેશનો સામાન્ય નાગરિક બે ટંકનું ભોજન પણ પ્રાપ્ત કરી શકતો નથી. કાબુલના શાહ આગાએ કહ્યું હતું કે તે દૈનિક મજૂરી કરીને રૂ. 100 થી રૂ. 150 સુધી કમાઇ શકે છે જેમાં એક ટંકનું ભોજન પણ કરવું મુશ્કેલ પડે છે.
જો કે તાલિબાન સરકારનું કૃષિ મંત્રાલય એવો દાવો કરે છે કે જે માલ-સામાન બહારના દેશોમાંથી આવે છે એ મોંઘો છે પરંતુ સ્વદેશી ડુંગરી રૂ. 30ની 7 કિલો મળે છે. ન્યૂયોર્ક ટાઇમ્સે પણ તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા તેના એક અહેવાલમાં કહ્યું હતું કે દેશમાં તાલિબાનોનું શાસન આવ્યા બાદ દેશના લોકો ઉપર ભુખમરાનું સંકટ આવી ગયું છે.
રાહત કાર્યોમાં જોડાયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓનું કહેવું છે કે અફઘાનિસ્તાનના કાતિલ શિયાળામાં ભૂખમરાના કારણે જ સંખ્યાબંધ બાળકો મોતના મુખમાં ધકેલાઇ શકે છે. આ વર્ષે શિયાળામાં અફઘાનિસ્તાનના 2.28 કરોડ લોકો અર્થાત દેશની અડધી વસ્તીને ખાવા-પીવાની સામગ્રી માટે ઝઝૂમવું પડશે.