Satya Tv News

અદાણી ફાઉન્ડેશન એ યોગ્ય માર્ગદર્શન આપવા સાથે 3.5 લાખની આર્થિક મદદ કરતા મહિલાઓ સ્વરોજગારમાં સક્ષમ બની

માત્ર આઠ મહિનાના ટૂંકા ગાળામાં અમુલ પાર્લર ચલાવી મહિલાઓએ ૨૦ લાખ થી વધુ ટર્ન ઓવર કર્યું

સમાજમાં નારી શક્તિને સશક્ત બનાવવાના પ્રયાસો આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે.વાગરા તાલુકા ના લખીગામમાં મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. સુયોગ્ય માર્ગદર્શન અને પુરતી મદદ મળતા ગામની મહિલાઓએ તેમનું કૌવત સાબિત કરી બતાવ્યુ હતુ.


આમ તો લખીગામની મહિલાઓની આજીવિકા પશુપાલન પર નિર્ભર હતી પરંતુ મોંઘવારીના જમાનામાં મર્યાદિત આવકમાંથી ઘર ચલાવવુ ખૂબ જ મુશ્કેલ હતુ.તેવામાં ગામની સમજુ મહિલાઓએ અદાણી ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો અને તેમના જીવનમાં ઉજાસ પથરાયુ હતુ.જો કે અપુરતા સંસાધનો અને માર્ગદર્શનના કારણે તેઓ પાંગળા હતા.અદાણી ફાઉન્ડેશનની કર્મશીલ ટીમે મહિલાઓને સહાયતા પૂરી પાડી તેમની આવક અને જીવનસ્તર ઉંચુ લાવવાનું બીડું ઝડપી લીધુ હતુ.અદાણી ફાઉન્ડેશને ગામની જરૂરિયાતમંદ અને આશાસ્પદ મહિલાઓને એકત્ર કરી એક સંગઠન બનાવવાનો વિચાર મૂક્યો અને એમાંથી સાધદાદા મહિલા સખીમંડળ નું સર્જન થવા પામ્યુ હતુ.11 મહિલાઓના સંગઠનમાં 7 ગરીબી રેખા નીચેના પરિવારોની હતી.ફાઉન્ડેશનની ટીમે તેમને આર્થિક રીતે પગભર થવા માટે સાચી રાહ ચીંધી રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ ખોલાવ્યુ અને સીલક પણ જમા કરાવી.બસ પછી તો જાણે લાખેણી મહિલાઓને વ્યવસાયના ગગનમાં ઉડવાની પાંખો મળી ગઈ હતી.
ગ્રામીણ મહિલાઓના જૂથને અચાનક ઉદ્યોગમાં જોડવુ અનેક પડકારો ભરેલું કામ હતુ.મહિલાઓને ઔદ્યોગિક વાતાવરણથી અનુરૂપ થવા ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન તેમજ જિલ્લા આજીવિકા મિશન તરફથી તાલીમ આપવામાં આવી હતી. જેમાં સેલ્સ અને માર્કેટીંગથી લઈને એકાઉન્ટીંગ અને લોજીસ્ટીક્સના પાઠ ભણાવવામાં આવ્યા હતા.સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ સરકારી પ્રમાણપત્રો ધરાવતા સખીમંડળના ઉત્સાહ બેવડાય ગયો હતો.જો કે હજુ તેમને કયા વ્યવસાયમાં ઝંપલાવવુ તે અંગે મૂંઝવણ અનુભવતી મહિલાઓની વ્હારે અદાણી ફાઉન્ડેશન આવ્યુ હતુ.
સંસ્થાની ટીમે સખીમંડળની ક્ષમતા અને રિસર્ચના આધારે અમૂલ પાર્લરના વ્યવસાયમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.દૂધની દૈનિક જરૂરિયાત સંતોષવા આસપાસના પંદર કિલોમીટર સુધી કોઈ પાર્લર ન હોવાથી આ વ્યવસાયમાં કમાણીની પ્રબળ સંભાવનાઓ જોવામાં આવી હતી. કાયદાકીય અડચણોથી અજાણ સખીમંડળની મહિલઓને રજીસ્ટ્રેશન અને ફૂડ લાયસન્સથી લઈને જરૂરી તમામ બાબતો મેનેજ કરવા અંગે સલાહ સૂચન આપી તેમનું મનોબળ વધારો કરવામાં આવ્યો હતો.એટલું જ નહી,શરૂઆતના કેપિટલ રૂપે ₹.3.5 લાખની આર્થિક મદદ પૂરી પાડી તેમની ગાડી પાટે ચઢાવી હતી. જુલાઈ-2021માં શરૂ થયેલુ આ અમૂલ પાર્લર ફેબ્રુઆરી-2022 સુધીમાં ₹. 20.48 લાખનું ટર્નઓવર કરી ચૂક્યુ છે.
લખીગામની લાખેણી મહિલાઓએ લાખોનો વ્યાપાર કરી લોકોને પોતાની વ્યાવસાયીક ક્ષમતાનો પરિચય આપ્યો હતો.નારી માત્ર ઘરકામ જ નહી, વ્યવસાયમાં પણ અવ્વલ થઈ શકે છે એમ કરી બતાવ્યુ હતુ.એટલું જ નહી, આસપાસની હજારો મહિલાઓને વ્યાવસાયીક બનવા માટે પ્રેરણાસ્ત્રોત બની છે.અદાણી ફાઉન્ડેશન સમાજમાં નારી ઉત્થાન ના પ્રોજેકટ પર સતત કામ કરી સરાહનીય કાર્ય કરી રહ્યુ છે.તો બીજી તરફ ફાઉન્ડેશનની કામગીરી ને લખીગામની મહિલાઓએ બિરદાવી ને તેમનો આભાર માન્યો હતો.

error: