Satya Tv News

ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પાંચ હજાર કેસો નોંધાવાને પગલે કોરોના મહામારીની વિદાયને બદલે પુનરાગમનની વાતો થવા માંડી છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં એક દિવસમાં આટલા બધા કેસો એકસાથે કદી નોંધાયા નથી. શાંઘાઇના વાયરોલોજિસ્ટ ઝેંગ વેનહોંગે જણાવ્યું હતું કે હાલ ચીન માટે કઠણ સમય ચાલી રહ્યો છે.

આ સમય ખોટું બોલવાનો નથી પણ મહામારીને નિયંત્રણમાં રાખી શકાય તેવી નીતિ ઘડવાનો છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5,280 કેસો નોંધાયા હતા. કોરોનાના કેસોની સંખ્યા વધવાને કારણે ઘણાં પ્રાંતોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. પાંચ કરોડથી વધારે લાકોને ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે.

હાલ લોકડાઉનને કારણે જિલિન પ્રાંતમાં 2.4 કરોડ, શેનઝેનમાં 1.75 કરોડ અને ડોંંગુઆનના એક કરોડ લોકોને તેમનાઘરોમાં રહેવાની ફરજ પડાઇ છે. ચીને ઝીરો કોવિડ ટોલરન્સ પોલીસી અનુસાર શાંઘાઇ, જિલિન અને શેનઝેન શહેરોમાં કડક લોકડાઉન લાગુ પાડી બસ અને મેટ્રો સેવા બંધ કરી દીધી છે. ફેબુ્રઆરીમાં ચીન મહામારીને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું હતું પણ માર્ચથી મામલો બગડયો હતો.

ફેબુ્રઆરીમાં રોજ 200થી ઓછા કોરોનાના કેસ નોંધાયા હતા પણ પહેલીથી બાર માર્ચ દરમ્યાન રોજના સરેરાશ કેસોની સંખ્યા 119થી વધીને 3000 થઇ ગઇ હતી. ચીનની સરકારે કોરોનાના કેસો વધવાને પગલે બંદરો પર કોરોના નિયંત્રણો કડક રીતે લાગુ પાડવાને કારણે વેપાર-ધંધા ખોરવાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.

સરકારે ઓટો અને ઇલેકટ્રોનિક્સ ફેકટરીઓ બંધ કરી દીધી હતી. ચીને અઢી કરોડની વસ્તી ધરાવતાં શાંઘાઇ શહેરમાં લોકડાઉન જાહેર કરીને ત્યાં પ્રવેશવા માટે ટેસ્ટ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. એ જ રીતે પોણા બે કરોડની વસ્તી ધરાવતાં અને ચીનની સૌથી મોટી કંપનીઓના વડા મથકો જ્યાં આવેલા છે તે શેનઝેન શહેરમાં પણ લોકડાઉન જાહેર કર્યું છે.

તાઇવાનની એસેમ્બલિંગ કંપની ફોક્સકોન જે એપલના આઇફોન બનાવે છે તે પણ શેનઝેનમાં આવેલી છે. રશિયાની યુક્રેન સાથેની લડાઇ અને ક્રૂડના ભાવો સતત વધી રહ્યા છે ત્યાં ચીનની સરકારે તેના મોટા શહેરોમાં કોરોનાના કેસો વધવાને પગલે લોકડાઉન લાદી દેતાં ગ્લોબલ ઇકોનોમી ફરી ભીંસમાં આવી ગઇ છે.

ચીનમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર્સ, મેડિકલ ઉપકરણો અને અન્ય સામાન જે વિદેશી હિસ્સાઓમાંથી બનાવનારી ફેકટરીઓ તથા અન્ય ઉદ્યોગધંધા બંધ હોવાથી દુનિયાની સપ્લાય ચેઇન ખોરવાઇ રહી છે. શેનઝેનના યાંશિયાન બંદરને બંધ કરવામાં આવશે તો ઇલેકટ્રોનિક આયાત-નિકાસનો બિઝનેસ ખોરવાઇ જશે. શાંઘાઇ બંદરે બધી કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવી છે.

શાંઘાઇની ઉત્તરે આવેલા લિયાન્યુગાંગ બંદરે ખલાસીઓને જહાજ છોડવાની મનાઇ કરવામાં આવી છે. શેનઝેનની હોંગકોંગ સાથેની ફ્રેઇટ સર્વિસ બંધ થઇ જતાં તથા શેનઝેનમાં લોકડાઉન લાદવામાં આવતાં ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઇ જવાનું જોખમ ઉભું થયું છે.

બીજી તરફ યુકેમાં શુક્રવારથી ઇન્ટરનેશનલ પ્રવાસ પરના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવશે. યુકેમાં હવે રસી ન લેનારાઓને પણ કોઇ પ્રકારના ટેસ્ટ આગમનપૂર્વે કે બાદમાં કરાવવાની જરૂર નહીં રહે. યુકેમાં એપ્રિલથી ઇસ્ટરની રજાઓ શરૂ થાય છે. સરકારે આ નિયંત્રણો પરિવારોને પ્રવાસમાં કોઇ અડચણ ન પડે તે માટે હટાવી લેવાની સમયસર જાહેરાત કરી છે.

error: