કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની માંગણી કરનાર લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
દેવદત્ત કામતની દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, “પરીક્ષાઓને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો ઉલ્લેખ કરીને ઉત્તેજના ન ફેલાવો.’ તમને જણાવી દઈએ કે, અગાઉ પણ કોર્ટે હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, હોળીની રજાઓ બાદ જ તેની પર વિચાર કરવામાં આવશે.
ગુરુવારે આ મામલો તાત્કાલિક સુનાવણી માટે CJI સમક્ષ મૂકવામાં આવ્યો હતો. એ દરમિયાન વકીલ કામતે કહ્યું હતું કે, તારીખ 28 માર્ચથી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં જો તેમને હિજાબ સાથે પ્રવેશ આપવામાં નહીં આવે તો તો તેમનું એક વર્ષ વેડફાઈ જશે.
આ વિવાદ કર્ણાટકમાં જાન્યુઆરી મહિનામાં શરૂ થયો હતો. અહીંની ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં હિજાબ પહેરેલી 6 વિદ્યાર્થીનીઓને કોલેજ પ્રશાસને મંજૂરી આપી ન હતી. કોલેજ પ્રશાસને તેની પાછળ ડ્રેસ કોડમાં સમાનતા દર્શાવી હતી. જો કે, વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોલેજના નિર્ણયને બંધારણની કલમ 14 અને 25 હેઠળના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેન્ચે આ મામલે સુનાવણી કર્યા બાદ આ મામલો 9 ફેબ્રુઆરીએ મોટી બેંચને મોકલી આપ્યો હતો. 11 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ મોટી બેંચે રાજ્ય સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે, ઇસ્લામિક માન્યતામાં હિજાબ ફરજિયાત નથી.
એ સિવાય કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ સંસ્થા દ્વારા યુનિફોર્મને લઈને નિર્ધારિત નિયમોને પડકારી શકે નહીં. આ નિર્ણય બાદ જ હિજાબના સમર્થકોના વકીલે કહ્યું હતું કે, તેઓ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. નોંધનીય છે કે, હિજાબ વિવાદ પર ચુકાદો આપનાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી સહિત ત્રણ જજોને Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.