મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છે
વડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે લઇ ગઇ હતી અને પછી ઘટના સ્થળે લઇ ગઇ હતી. આમ આરોપીના ઘરથી લઇને મર્ડરના સ્થળ સુધીનું પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને 22 માર્ચે બનેલી 37 મિનિટની ઘટનાની પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, તૃષાએ ફોન રિસિવ કરવાનું બંધ કરતાં કલ્પેશ પોતાની ભાભીના ફોનમાંથી કોલ કરતો હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે કલ્પેશ તૃષાના જ મોપેડ પર હાઈવેથી હત્યાના સ્થળ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
તૃષાની હત્યા પહેલાં કલ્પેશ અને તૃષા વચ્ચે ચકમક ઝરી હોવાની તેમજ તૃષાએ કલ્પેશનો ફોન લેવાનું બંધ કરતાં કલ્પેશે પોતાની ભાભીના મોબાઇલમાંથી ફોન કરતો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, હાઇવે પરથી ખેતર તરફ જવા માટે કલ્પેશે તૃષાનું મોપેડ ચલાવી લીધું હતું. થોડે અંતરે કાચા રસ્તે તેણે સ્કૂટર મૂકી દીધું હતું. ત્યારબાદ બંને જણા થોડું ચાલ્યા હતા. દરમિયાન કલ્પેશે લગ્નની વાત કરતાં તૃષાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને મારે મારી કારકિર્દી બનાવવી છે તેવો જવાબ આપ્યો હતો.
તૃષા હત્યા કેસમાં પુરાવા એકત્ર કરવા માટે ગતરોજ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આરોપીના ઘરે અને દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. આરોપીએ જ્યાં હથિયાર છુપાવ્યું હતું તે જગ્યા આરોપીએ બતાવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જઇને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યા કરીને આવ્યા બાદ આરોપીએ જ્યાં યુવતીનું એક્ટિવા મૂક્યું હતું ત્યાંથી પોતાના મિત્રને જ્યાં ઉભો રાખ્યો હતો તે સ્થળ પણ બતાવ્યું હતું. ત્યાંથી તે ઘરે જવા રવાના થયો હતો. આખો ઘટનાક્રમ તેણે જણાવ્યો હતો. હત્યા કરવાની સ્ટાઇલ પરથી લાગે છે કે, તેણે પ્લાનિંગથી તૃષાની હત્યા કરી હોય.