Satya Tv News

શ્વાસ લેવાથી કે ભોજનના માધ્યમથી પ્લાસ્ટિકના કણ મનુષ્યના શરીરમાં જાય છે

લોહીમાં પ્લાસ્ટિક મળવાથી શરીરમાં ક્રોનિક ઈન્ફ્લામેશનની ફરિયાદ વધી શકે છે

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવા અને તેનો વપરાશ બંધ કરવા માટે સમગ્ર વિશ્વમાં વિવિધ અભિયાન ચલાવાઈ રહ્યા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, સમુદ્રી જીવોના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક પહોંચી રહ્યું છે જેથી સમુદ્રી જીવોના અચાનક મોત થઈ રહ્યા છે. આ કારણે આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહની સમુદ્રી ગાય ગણાતી ડુગોંગ સ્તનપાયીનું પણ સિંગાપુરના દરિયામાં મોત થયું હતું. આ માછલી દુર્લભ પ્રજાતિની છે અને વિલુપ્ત થવાની કગાર પર છે.

ત્યારે હવે એક નવા અભ્યાસ પ્રમાણે મનુષ્યના લોહીમાંથી પણ પ્લાસ્ટિકના નમૂના મળી આવ્યા છે. અભ્યાસમાં 77 ટકા લોકોના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે. ડચ સંશોધકોએ એક અભ્યાસ દરમિયાન નોંધ્યું કે, પ્લાસ્ટિકનું સૌથી ચર્ચિત સ્વરૂપ એટલે કે પોલીઈથાઈલિન ટેરીપ્થેલેટ (PET)ના કણ મનુષ્યના લોહીમાં ઉપસ્થિત છે. PETનો ઉપયોગ સામાન્ય રીતે પાણીની બોટલ, ભોજન અને કપડાના પેકિંગમાં કરવામાં આવે છે.

આ સંશોધન ખરેખર ખૂબ જ ચિંતાજનક છે કારણ કે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, શ્વાસ લેવાથી કે ભોજનના માધ્યમથી પ્લાસ્ટિકના કણ મનુષ્યના શરીરમાં જાય છે. એટલું જ નહીં લોહીમાં પ્લાસ્ટિક મળવાથી શરીરમાં ક્રોનિક ઈન્ફ્લામેશનની ફરિયાદ વધી શકે છે. આ અભ્યાસમાં સામેલ 22 લોકોના લોહીના નમૂનાનું 5 પ્રકારના પ્લાસ્ટિકની તપાસ માટે સંશોધન કરવામાં આવ્યું હતું. તેમાં પ્લાસ્ટિકના પોલીપ્રોપાઈલીન, પોલિસ્ટાયરિન, પોલીમિથાઈલ મેથાક્રાયલેટ, પોલીથાઈલિન અને પોલીથાઈલિન ટેરીપ્થેલેટ- આ 5 પ્રકારનો સમાવેશ થાય છે.

અભ્યાસના પરિણામોએ સંશોધકોને ચોંકાવી દીધા હતા. 22 લોકોના લોહીના નમૂનાઓમાંથી 17 લોકોના લોહીના નમૂનાઓમાં પ્લાસ્ટિકનું સારૂ એવું પ્રમાણ જોવા મળ્યું હતું. લોહીના નમૂનાઓમાં PET બાદ બીજું સૌથી વધારે પ્રમાણમાં જોવા મળેલું પ્લાસ્ટિક પોલિસ્ટાયરિન હતું. તે સિવાય વૈજ્ઞાનિકોને ત્રીજા નંબરે પોલીથાઈલિન મળ્યું જેનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગ બનાવવા માટે થાય છે. પરીક્ષણ અંતર્ગતના 50 ટકા લોકોના લોહીમાં પોલીથાઈલિન, ટેરીપ્થેલેટનું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે 36 ટકા લોકોના લોહીમાં પોલિસ્ટાયરિન ઉપસ્થિત હતું.

error: