Satya Tv News

વેરો નહીં ભરાતા 20 દિવસમાં જ ભરૂચ નગર પાલિકાએ 33 બાકીદારોની મિલકતો સીલ કરી

પાલિકા વિસ્તારના મિલકતદારો 31મી માર્ચ પહેલાં પોતાના વેરા ભરે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના બહાર પાડી છે. તેમ છતાં ભરૂચ નગરપાલિકા વિસ્તારના મિલકતદારો તેમનો વેરો સમયસર ભરવામાં કસુર કરતાં હોઇ પાલિકાએ આ વખતે વધુ કડક વલણ અપનાવ્યું છે.

જેના ભાગરૂપે પાલિકાની ટીમે ગત 20મી માર્ચથી શહેરના વિસ્તારોમાં ફરી જે લોકોના વેરા લાંબા સમયથી બાકી છે તેમની મિલકતો સીલ કરવા સાથે દંડ વસુલાતની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પાલિકાની ટીમે અત્યાર સુધીમાં 4 રહેણાંક મકાનો તેમજ 29 દુકાનોના માલિકોએ કે જેઓએ લાંબા સમયથી વેરા ભર્યા નથી. તેમની મિલકતો સીલ કરી હતી. ઉપરાંત 6 મિલકતોના પાણીના કનેક્શન કાપી નાંખ્યાં હતાં.

ભરૂચ નગરપાલિકાની વેરાવસુલાતથી આ વર્ષે 21.86 કરોડની આવકનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં પાલિકાએ 15.24 કરોડની વેરા વસુલાત કરી લીધી છે.

રવિવારે પણ કચેરીમાં વેરો ભરી શકાશે
ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં અંતિમ રવિવારે પણ વેરા વિભાગની કચેરી ચાલુ રાખવામાં આવી છે. જેથી કે, નોકરિયાત વર્ગના લોકો પણ સમયસર વેરો ભરી શકશે. ઉપરાંત માર્ચ મહિનાના અંતિમ દિવસે એટલે કે 31મી તારીખે પણ મોડે સુધી કચેરી ચાલુ રખાશે તેમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

error: