ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવવાની સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગઈ છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીનો ઉત્સાહ વધ્યો છે અને ગુજરાતમાં પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાતમાં આપના નેતા થોડા દિવસ બીટીપીના નેતાને મળ્યા હતા. જે બાદ આજે આપ અને બીટીપી નેતાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ અને બીટીપી જોડાણ કરી શકે તેવી અટકળો થઈ રહી છે.
આજે ગુજરાત આપના નેતા ઈસુદાન ગઢવી, બીટીપી ના નેતા મહેશ વસાવા, બીટીપીના ઉપાધ્યક્ષ પરેશ વસાવા તથા આપ સંગઠન મંત્રી અર્જુન રાઠવાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. થોડા દિવસોમાં જ આ બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે એપ્રિલમાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ તથા પંજાબ સીએમ ભગવંત માન ગુજરાતમાં રોડ શો કરી શકે છે.