સરકારી કર્મચારીઓને હડતાલમાં જોડાવાનો અધિકાર નથી. કર્મચારીઓ ચાલુ પગારે હડતાલમાં જોડાય તેનાથી જાહેર સેવા ખોરવાઈ જાય છે અનેે લોકો પરેશાન થઈ જાય છે. જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા હોય તેમનો પગાર કાપી શકાય છે એવું સૂચન કેરળ હાઈકોર્ટે કર્યું હતું. સરકારી કર્મચારીઓને હડતાલમાં જતાં રોકવાનો આદેશ પણ કેરળ હાઈકોર્ટે કેરળની સરકારને આપ્યો છે.
ટ્રેડ યુનિયને બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી હતી. એ સંદર્ભમાં થયેલી એક અરજીની સુનાવણી વખતે કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ હડતાલમાં જોડાઈ શકે નહીં. ચાલુ પગારે હડતાલમાં જોડાતા સરકારી કર્મચારીઓની ગેરહાજરીથી જાહેર ક્ષેત્રની સર્વિસ ખોરવાઈ જાય છે. તે બિલકુલ યોગ્ય નથી. જે કર્મચારીઓ હડતાલમાં જોડાય તેમનો પગાર કાપી લેવાનું સૂચન પણ કેરળ હાઈકોર્ટે કર્યું હતું. તે ઉપરાંત જે કર્મચારીઓ હડતાલમાં જોડાવાના હોય તેમને રોકવાનો આદેશ પણ રાજ્ય સરકારને કર્યો હતો. અરજદારે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારની નીતિ સામે થઈ રહેલા આ હડતાલમાં સરકારી કર્મચારીઓ જોડાય તે માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપે છે. રાજ્ય સરકાર જો સરકારી કર્મચારીઓ સામે પગલાં ભરે તો હડતાલમાં જોડાવાનું વલણ ઘટે અને લોકોને પૂરતી સેવા મળે. એ સંદર્ભમાં અરજદારની દલીલને માન્ય રાખીને હાઈકોર્ટે કેરળ સરકારને સૂચન કર્યું હતું કે કર્મચારીઓ હડતાલમાં ન જોડાય તે માટે રાજ્ય સરકાર યોગ્ય પગલાં ભરે અને ેતમને નિર્દેશ જારી કરે તે ઈચ્છનીય છે.
ટ્રેડ યુનિયને દાવો કર્યો હતો કે આઠ રાજ્યોમાં હડતાલની વ્યાપક અસર થઈ હતી. તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, આસામ, હરિયાણા, ઝારખંડ જેવા રાજ્યોમાં કામકાજ ઠપ થઈ ગયું હતું અને બેકિંગ, ટ્રાન્સપોર્ટ તેમ જ માઈનિંગ સેક્ટરને અસર થઈ હતી. જોકે, બીજો દાવો એવો પણ હતો કે બેંક યુનિયનના નવમાંથી છ યુનિયન હડતાલમાં ભાગીદાર બન્યા ન હતા. તેના કારણે બેકિંગ સેક્ટરને ખાસ અસર થઈ ન હતી.
ઘણાં રાજ્યોમાં હડતાલના ભાગરૃપે વિરોધ પ્રદર્શનો થયા હતા. કેટલાક શહેરોમાં વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી. તો ઘણાં રેલવે સ્ટેશનોએ ટ્રેન રોકી દેવાના બનાવો પણ નોંધાયા હતા. કેરળમાં જાહેર પરિવહનના વાહનો ઉપરાંત ઓટોરિક્ષા અને ખાનગી બસો પણ બંધ રહી હતી. સરકારની આર્થિક નીતિના વિરોધમાં આ વિરોધ પ્રદર્શનો થયા હતા. બે દિવસની આ હડતાલના પ્રથમ દિવસે જીવન જરૃરી સેવા ચાલુ રહી હતી. અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું હતું કે હડતાલને ઠેર-ઠેર પ્રતિસાદ મળ્યો છે. લોકો સરકારની અન્યાયી નીતિથી ત્રાસી ગયા હોવાથી કેટલાય ખાનગી સંગઠનોએ પણ હડતાલને સમર્થન આપ્યું હતું. કેટલાક ઓટોરિક્ષા યુનિયન અને ેબસ યુનિયન પણ આ હડતાલમાં જોડાયા હતા.
ટ્રેડ યુનિયનના અલગ અલગ સંગઠનોએ સંયુક્ત રીતે ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. તેના કારણે ઘણાં રાજ્યોમાં તેની અસર જોવા મળી હતી. કેટલાય રાજ્યોમાં તેની મિક્ષ અસર દેખાઈ હતી. હડતાલમાં ન જોડાયેલા કેટલાક સંગઠનોએ દાવો કર્યો હતો કે આ હડતાલ સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના નિવેદનમાં દાવો થયો હતો આ હડતાલની વ્યાપક અસર જોવા મળી નથી.