Satya Tv News

ઇઝરાયેલના હદેરામાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી હુમલો કર્યો છે. જેમાં બે પોલીસકર્મીના મોત થયા છે. લાંબા સમય પછી ઇઝરાયેલ પર આ પ્રકારનો આતંકી હુમલો થયો છે. જેમાં તેના સુરક્ષાકર્મીઓનાં મોત થયા છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અરબ દેશોના વિદેશ પ્રધાન ઇઝરાયેલના પ્રવાસે છે. વાસ્તવમાં ઇસ્લામિક સ્ટેટના બે બંદૂકધારીઓએ હદેરાની હર્બર્ટ સેમ્યુઅલ સ્ટ્રીટ પર ગોળીબાર કર્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓનાં મોત થયા છે જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.

રવિવાર રાતે થયેલા આ હુમલા અંગે કહેવામાં આવી રહ્યું છે કે અરબ મૂળના અજ્ઞાાત બંદૂકધારીઓએ આ હુમલો કર્યો છે પણ ત્યારબાદ આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે.

ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે આ હુમલાની ટીકા કરી છે અને પોલીસકર્મીઓનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે આ હુમલાને કારણે મારું હૃદય ભાંગી પડયું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે.

આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન પણ ઇઝરાયેલમાં જ હતાં. તેમણે હુમલા પછી બેનેટની મુલાકાત લીધી હતી અને આ હુમલાની ટીકા કરી હતી. આ દરમિયાન ચાર અબજ દેશોના વિદેશ પ્રધાન પણ ઇઝરાયલમાં હતાં. જેમાં મોરકેકો, મિશ્ર, યુએઇ અને બહેરીનના વિદેશ પ્રધાનનો સમાવેશ થાય છે.

બ્લિંકને ટ્વિટર પર જણાવ્યું હતું કે ઇઝરાયેલના હદેરામાં થયેલા આતંકી હુમલાની અમે ટીકા કરીએ છીએ. સમાજમાં આ પ્રકારની હિંસાને કોઇ સ્થાન નથી. ઇઝરાયેલની સુરક્ષાને અભેદ ગણવામાં આવે છે અને ત્યાં સામાન્ય રીતે આવા પ્રકારના આતંકી હુમલા થતા નથી.

આ અગાઉ ૨૦૧૭માં ઇઝરાયેલમાં એક આતંકી હુમલો થયો હતો જેમાં કોઇનું પણ મોત થયું ન હતું. રવિવારે થયેલા હુમલામાં મૃત્યુ પામેલા પોલીસકર્મીની ઓળખ યેજેન ફલાહ અને શિરેલ અબુકાર્ત તરીકે કરવામાં આવી છે.બંનેની ઉંમર પણ માત્ર ૨૧ વર્ષ હતી. હુમલાખોર આતંકી પણ ઇઝરાયેલના રહેવાસી છે.

error: