દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યાં છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘કેટલાંક અસામાજિક તત્વોએ સીએમ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો છે અને સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી બેરિયરને પણ તોડી નાંખ્યા છે. આ ઉપરાંત ગેટ પરના બૂમ બેરિયર્સ પણ તૂટી ગયા છે.’
પોલીસના જણાવ્યાં અનુસાર, ભાજપ યુવા મોરચાના લગભગ 150થી 200 કાર્યકરોએ સવારનાં 11:30 વાગ્યે સીએમ આવાસની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ અંગે વિધાનસભામાં કેજરીવાલના નિવેદન સામે આ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાંક પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડીને સીએમ આવાસની બહાર પહોંચ્યા હતાં. તેઓએ દરવાજા પર કલર ફેંક્યો અને અહીં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાંખ્યા હતાં. જો કે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 70 લોકોની અટકાયત કરી લીધી હતી. આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કર્યો છે અને તોડફોડ કરી છે. વાસ્તવમાં ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલનો વિરોધ કરી રહ્યાં હતાં. ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે કશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.