આણંદ જિલ્લામાં ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો હતો. પેટલાદનાં બાંધણી ચોકડીથી વિશ્ર્નોલી માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. રસ્તા પર ધુંધળુ વાતાવરણ હોવાથી કંઈ દેખાતુ ન હતું, આ કારણે ટેન્કર અને આયસર એકબીજા સાથે ટકરાયા હતા. ત્યારે આયસરમાં સવાર 8 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આયસરમાં બેન્ડબાજાના કામ જઈ રહેલા 8 કારીગરો સવાર હતા. તમામ 8 ઈજાગ્રસ્તોને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતા જ મહેળાવ પોલીસ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ છે. ધુમ્મસના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. જોકે, ધુમ્મસના કારણે રસ્તા પર વિઝીબિલીટી ઘટી છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જેથી હાલ માહોલ ખુશનુમા બન્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હિટવેવ રહે તેવી આશંકા છે. ચૈત્ર મહિનાના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે પ્રખર અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તે પ્રકારે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે.